New Delhi,તા.14
કેન્દ્ર સરકારે વિઝા ઈશ્યૂ કરવા અંગે એક મોટો નિર્ણય કર્યો છે. હવે એક જ દિવસમાં વિઝા ઈશ્યૂ કરવા માટે નિયામકીય છૂટ આપવાનું શરૂ કરાયું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, જો તમામ દસ્તાવેજ યોગ્ય રીતે જમા કરાવાયા હશે તો એક જ દિવસમાં ભારતના વિઝા આપી દેવાશે.
આ સાથે કેન્દ્ર સરકારે ગેરકાયદે પ્રવાસીઓ અને વિઝા મુદ્દતથી વધુ સમય રોકાનારા વિદેશીઓ પર નજર રાખવાની કામગીરીને મજબૂત કરવા માટે બે નવા પોર્ટલ જિલ્લા પોલીસ મોડ્યુલ (DPM) અને વિદેશી ઓળખ પોર્ટલ (એફઆઈપી) શરૂ કર્યા છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે ફોરેનર્સ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિઝા સરળીકરણ, ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સના આધુનિકીકરણ અને અન્ય સંબંધિત બાબતો સંબંધિત નીતિઓ પર ચર્ચા કરી. અધિકારીઓએ મંત્રીને વિઝા પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે લેવામાં આવેલા પગલાં વિશે પણ માહિતગાર કર્યા.
મુખ્ય વિઝા કેટેગરીની સંખ્યા 26 થી ઘટાડીને 22 કરવામાં આવી છે અને સબ કેટેગરીની સંખ્યા 104 થી ઘટાડીને 69 કરવામાં આવી છે. વધુમાં, પ્રક્રિયાના સરળીકરણને કારણે વિઝા જારી કરવામાં લાગતો સરેરાશ સમય કેટલાક અઠવાડિયાથી ઘટીને એક દિવસથી ઓછો થઈ ગયો છે.
ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સના આધુનિકીકરણ હેઠળ, સ્વચાલિત મુસાફરી દસ્તાવેજ સ્કેનિંગ અને બાયોમેટ્રિક નોંધણી માટેની સુવિધાઓ રજૂ કરવામાં આવી છે.

