Rajkot,તા.19
ખાદ્યતેલોમાં મંદીનો દોર સતત આગળ ધપતો હોય તેમ આજે સીંગતેલ સહિત વિવિધ તેલના ભાવમાં વધુ 5થી15 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક મંદી તથા આકરા ઉનાળાને કારણે ડીમાંડમાં ઘટાડાની અસરે ભાવ નીચી સપાટીએ આવી ગયા હતા.
રાજકોટમાં આજે ટેકસપેઈડ સિંગતેલ નવા ડબ્બાનો ભાવ રૂા.2300 થી 2350 હતો. સિઝનનો સૌથી નીચો ભાવ થયો છે. 10 કિલો લુઝ સીંગતેલનો ભાવ 1300ના સ્તરે સરકી ગયો હતો. આ સિવાય કપાસીયાતેલ ડબ્બાના 2220 થી 2270 થયા હતા. પામોલીન ટીનનો ભાવ 2060 થી 2065 થયો હતો.
વેપારીઓના કહેવા પ્રમાણે કાચામાલ તથા વિશ્વબજારમાં મંદીને કારણે ભાવો નીચા આવી રહ્યા છે. વૈશ્વિક પામોલીન-સોયાબીન સતત ઘટતા રહ્યા છે અને તેની અસર લોકલ માર્કેટમાં છે. ભારતમાં જરૂરિયાતનું 60 ટકા ખાદ્યતેલ આયાત થતુ હોય છે. આ સિવાય ઘરઆંગણે માલબોજ સર્જાયો છે.
સીંગતેલને લાગેવળગે છે ત્યાં સુધી સહકારી સંસ્થાઓ મગફળીનું નીચાભાવે વેચાણ કરી રહી છે. સરકારે ઉંચા ભાવે ખરીદી કર્યાના દોઢ-બે મહિનામાં જ 1500 રૂપિયાની ખોટ ખાઈને માલ વેચી રહી છે.
નીચાભાવે મગફળી મળતી હોવાથી ઉત્પાદન ખર્ચ નીચો આવ્યો છે. મગફળીનો ચિકકાર પાક થયો હતો. હજુ ખેડુતો પાસે પણ જંગી માલ પડયો છે. ચારેતરફથી વેચવાલી આવતી હોવાના કારણોસર માલબોજ છે સામે ડિમાંડ ઘણી ઓછી હોવાથી ભાવ ઘટી રહ્યા છે.
તેલમીલરોએ એવો સુર દર્શાવ્યો છે કે મગફળીનુ સરકારી વેચાણ ન અટકે ત્યાં સુધી સીંગતેલમાં ભાવવધારો મુશ્કેલ છે. જયારે પામોલીન જેવા આયાતીતેલોમાં ભાવનો આધાર વૈશ્વિક ટ્રેન્ડ પર છે. ટ્રેડ-ટેરિફવોર સહિતના કારણોથી વાતાવરણ ડહોળાયેલુ છે. હજુ ઉનાળાના એકાદ મહિનામાં ડીમાંડ ઓછી જ રહેવાનુ અનુમાન છે.