Bhavnagar,તા.17
ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રી-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે (17 જૂન) દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, પોરબંદર અને જૂનાઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાયના દરેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.