એક ડોક્ટરે યુ-ટ્યુબ વીડિયો દ્વારા અમૂલ દૂધમાં ૨૨ પ્રકારના કેમિકલ અને પ્રતિબંધિત જંતુનાશક દવાઓ ભેળવવામાં આવતી હોવાનો દાવો કર્યો છે
Rajkot, તા.૭
એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી ’અમૂલ’ સામે સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા મામલો ગરમાયો છે. રાજકોટના એક ડોક્ટરે યુ-ટ્યુબ વીડિયો દ્વારા અમૂલ દૂધમાં ૨૨ પ્રકારના કેમિકલ અને પ્રતિબંધિત જંતુનાશક દવાઓ ભેળવવામાં આવતી હોવાનો દાવો કર્યો છે.
આ વીડિયો વાયરલ થતાં જ અમૂલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંપનીએ આ આક્ષેપોને તદ્દન ભ્રમિત અને ખોટા ગણાવીને વીડિયો બનાવનાર ડોક્ટર સામે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ અમૂલના ક્વોલિટી એશ્યોરન્સ આસિસ્ટન્ટ મેનેજર આકાશ પુરોહિતની નજરે ચાર દિવસ પહેલા યુ-ટ્યુબ પર એક વીડિયો આવ્યો હતો. આ વીડિયો રાજકોટના ડો. હિતેશ જાની દ્વારા તેમની ચેનલ પર ’તમારા ઘરે કેવું દૂધ આવે છે?’ ટાઇટલ સાથે અપલોડ કરાયો હતો. વીડિયોમાં ડો. જાનીએ અમૂલ દૂધને નિશાન બનાવી ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમ કે દૂધમાં ૨૨ પ્રકારના અલગ-અલગ કેમિકલ ઉમેરવામાં આવે છે અને ડીડીટી (ડ્ઢડ્ઢ્) જેવા પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે.
એટલું જ નહી ગ્રાહકોને મળતું દૂધ સાત દિવસ જૂનું હોય છે. ૫૦૦ મિલીના પાઉચમાં ૪૮૦ થી ૪૯૦ મિલી દૂધ ભરીને નફાખોરી અને છેતરપિંડી કરવામાં આવે છે. વીડિયોમાં એમ પણ કહેવાયું કે ૈંજીૈં-હ્લજીજીછૈં સ્ટેમ્પ હોવા છતાં ઉત્પાદનો અસુરક્ષિત છે અને અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી.
આ વીડિયોમાં કરવામાં આવેલી ભ્રમિત વાતો અને ’ષડયંત્ર બહાર લાવવા માટે વીડિયો વાયરલ કરો’ વગેરે જેવી અપીલને પગલે અમૂલ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. અમૂલ કંપની વતી આકાશ પુરોહિતે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ડો. હિતેશ જાની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે ડો. જાની દ્વારા અમૂલ બ્રાન્ડને બદનામ કરવાના ઇરાદે આ ખોટી અને ભ્રમિત વાતો ફેલાવવામાં આવી રહી છે. કંપનીએ વીડિયોમાં કરાયેલા તમામ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે અને તેને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
હાલમાં ચાંદખેડા પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની ખરાઈ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

