Jammu and Kashmir તા.17
ખીણમાં 36 કલાકથી થઈ રહેલા ભારે વરસાદને કારણે આજે અમરનાથ યાત્રા રોકી દેવાઈ છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરનાં કેટલાંક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.આ ચેતવણી ગાંદરબલ જીલ્લામાં યાત્રાના બાલતાલ માર્ગ પર થયેલા ભુસ્ખલનમાં એક મહિલા તીર્થયાત્રીનાં મોત અને અન્ય ત્રણ તીર્થયાત્રીના ઘાયલ થયાની ઘટના બાદ જાહેર થઈ છે.
કાશ્મીરનાં સંભાગીય આયુકત વિજયકુમાર ભિદુરીએ જણાવ્યું હતું કે, પહેલગામ અને બાલતાલ બન્ને આધાર શિબીરોથી અમરનાથ યાત્રા 17 જુલાઈ સુધી સ્થગીત કરાઈ છે. છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદના કારણે બન્ને માર્ગો પર રીપેરીંગ કાર્ય કરવુ જરૂરી થઈ ગયુ છે.
તેમણે જણાવ્યુ હતું કે, જોકે ગઈકાલે રાત્રે પંજતમી શિબીરમાં રોકાયેલા યાત્રીઓને બીઆરઓ અને પર્વતીય બચાવ દળોની પર્યાપ્ત તેનાતીની સાથે બાલતાલ જવાની મંજુરી આપવામાં આવી રહી છે.
ભિદુરીએ જણાવ્યું હતું કે, સીમા સડક સંગઠન-બીઆરઓએ કામ પુરૂ કરવા માટે માર્ગ પર ભારે સંખ્યામાં લોકો અને મશીનો તૈનાત કરાયા છે જેથી બાલતાલ અને પહેલગામ બન્ને આધાર શિબીરોથી યાત્રા ફરીથી શરૂ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈથી શરૂ થયેલી યાત્રા બાદ અત્યાર સુધીમાં 2.47 લાખ તીર્થયાત્રી 3880 મીટર ઊંચા આ મંદિરમાં દર્શન કરી ચૂકયા છે.