New Delhi,તા.૬
એશિયા કપ ૨૦૨૫ શરૂ થવામાં હવે ફક્ત ૪ દિવસ જ બાકી છે. મેગા ઇવેન્ટ માટે સ્ટેજ સંપૂર્ણપણે તૈયાર છે. બધી ટીમો આ ટુર્નામેન્ટ માટે તૈયાર થઈ ગઈ છે. પરંતુ આ પહેલા, ટુર્નામેન્ટમાં એક ગજબ ટિ્વસ્ટ જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ૮ ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી ૫ ટીમોના કેપ્ટન ફક્ત ૨ દેશોના જ હશે, જે ભારતીય અથવા પાકિસ્તાની મૂળના ખેલાડીઓ છે. જો કે, એશિયા કપ ૨૦૨૫માં ૮ દેશોની ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ કેપ્ટન ફક્ત ૫ દેશોના છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, પરંતુ ભારતીય મૂળનો બીજો એક ખેલાડી છે જે બીજી ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. આ ખેલાડી છે જતિન્દર સિંહ, જેમનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો, પરંતુ હવે તે ઓમાન માટે રમે છે. જતિન્દર સિંહ એશિયા કપમાં ઓમાનની ટીમનો કેપ્ટન હશે. આ ઉપરાંત પાકિસ્તાન ટીમનો કેપ્ટન સલમાન અલી આગા છે પરંતુ સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ ટીમનો કેપ્ટન મુહમ્મદ વસીમ છે જેનો જન્મ પાકિસ્તાનના ખાનવેલ જિલ્લાના મિયાં ચન્નુમાં થયો હતો.
મુહમ્મદ વસીમ લાંબા સમયથી યુએઈમાં રહે છે અને તેની પાસે અહીંની નાગરિકતા પણ છે. તે યુએઈનો કેપ્ટન છે. તેવી જ રીતે હોંગકોંગ ટીમના કેપ્ટન યાસીન મુર્તઝાનો જન્મ પણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટમાં થયો હતો અને તે એશિયા કપમાં હોંગકોંગનું નેતૃત્વ કરતો જોવા મળશે.
૩ દેશોના કેપ્ટન એશિયા કપમાં એવા છે, જેમનો જન્મ તેમના પોતાના દેશમાં થયો છે. આ યાદીમાં શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકા, અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાન અને બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસનો સમાવેશ થાય છે. તેઓ પોતપોતાના દેશોની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. એશિયા કપ ૯ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ૧૦ સપ્ટેમ્બરથી યુએઈ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.