Mumbai,તા.3
વિમેન્સ ક્રિકેટ વર્લ્ડપના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય મહિલા ટીમ ચેમ્પીયન બનતા દેશભરમાં જશ્નનો માહોલ સર્જાયો હતો મધરાત્રે આતશબાજીના ધૂમધડાકા થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને વિવિધ સેલીબ્રીટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય ટીમ બાવન વર્ષે ટ્રોફી જીતી છે અને બાવન રને જ જીત્યાનો રસપ્રદ સંયોગ પણ સર્જાયો છે. મહિલા ટીમને 90 કરોડનું જંગી ઈનામ જાહેર થયુ છે.
નવી મુંબઈનાં ડી.વાય.પાટીલ સ્ટેડીયમમાં રમાયેલા દિલધડક મુકાબલા બાદ રસાકસીનાં અંતે ભારતીય ટીમે બાવન રને વિજય હાંસલ કર્યો હતો. અને તે સાથે તમામ ખેલાડીઓની સાથોસાથ સ્ટેડીયમ સુધી ઝુમી ઉઠયુ હતું. દેશભરમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. 1973 થી મહિલા વર્લ્ડકપની શરૂઆત થઈ હતી અને ત્યારપછી ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે.
ભુતકાળમાં બે વખત ફાઇનલ સુધી પહોંચી હતી. પરંતુ બંને વખત ચેમ્પિયનશીપ હાંસલ કરી શકી ન હતી. આ વખતે ઇતિહાસ રચીને દક્ષિણ આફ્રિકાને હરાવી ચેમ્પિયનશીપનું ટાઇટલ મેળવ્યું છે. મધરાત્રે ભારતીય ટીમે જીત મેળવવાની સાથે જ સમગ્ર દેશમાં ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેવી જ રીતે ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિપક્ષી નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય સેલીબ્રીટીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, અમિતાભ બચ્ચન સહિતના મહાનુભાવોએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
વર્લ્ડ ચેમ્પિયન બનવા સાથે ભારતીય ટીમને અધધ 90 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ચેમ્પિયનશીપ પેટે 39.પપ કરોડ રૂપિયા મળવાના છે. 2022ની સરખામણીએ ચેમ્પિયન ટીમને ઇનામની રકમમાં ચાર ગણો વધારો કરી દેવામાં આવ્યો છે અને સૌપ્રથમ આ વધેલી ઇનામની રકમ ભારતીય ટીમને મળી છે.
આ સિવાય ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પણ પ1 કરોડનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે આમ બંને થઇને ભારતીય મહિલા ટીમને 90 કરોડ રૂપિયા મળશે જે અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટુ ઇનામ છે.

