Washington, તા. 8
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં સત્તા પરિવર્તન વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં ફરી એકવખત ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. અર્થતંત્રને સ્ટ્રોંગ બનાવવા માટે વ્યાજદર 0.25 ટકા ઘટાડાયો છે. ફેડરલ રિઝર્વની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. આ પૂર્વે ગત સપ્ટેમ્બરમાં અર્ધા ટકાનો વ્યાજદર ઘટાડો કર્યો હતો.
ફેડરલ રિઝર્વે બેઠકમાં એવો નિષ્કર્ષ દર્શાવ્યો હતો કે મોંઘવારી તથા રોજગારી લક્ષ્યાંક હાંસલ કરવાના જોખમ લગભગ એક સમાન છે. આર્થિક ભાવિ અનિશ્ચિત છે ત્યારે અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે વ્યાજદર ઘટાડવાનું કદમ યોગ્ય છે.
ફુગાવાનો દર ઘટાડા તરફ હોવાના સંકેત છતાં તે લક્ષ્યાંક સુધી આવી જશે. તે નિશ્ચિત ન હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું છતાં રોજગારી મોરચે સ્થિતિ સારી ગણાવવામાં આવી હતી.
વ્યાજદર ઘટાડાના આ નિર્ણયથી દુનિયાભરમાં સારી અસર થવાનું માનવામાં આવી રહ્યું છે. મોંઘવારીનો ભય હળવો થઇ શકે છે. અમેરિકી શેરબજાર ગ્રીન ઝોનમાં આવી ગયું હતું. એશિયન માર્કેટ પણ મકકમ હતા.