Islamabad,તા.26
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓએ અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે બે દેશો વચ્ચે યુદ્ધ કરાવીને અમેરિકા પોતાના હથિયારો વેચીને કરોડો ડોલર કમાય છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ આ વીડિયોમાં કહી રહ્યા છે કે અમેરિકા યુદ્ધો પેદા કરે છે, આ કામ તે છેલ્લા ૧૦૦ વર્ષથી કરતુ આવ્યું છે. અમેરિકાએ આશરે ૨૬૦ જેટલા યુદ્ધો લડયા છે. ક્યારેક આ દેશને અન્ય દેશ સાથે લડાવી દે છે. બે દેશો વચ્ચે યુદ્ધ કરાવીને અમેરિકા બાદમાં મોટી કમાણી કરે છે. પાક.ના સંરક્ષણ મંત્રી વધુમાં કહી રહ્યા છે કે અમેરિકાએ યુદ્ધો કરાવીને કમાણી કરી છે જેના અનેક ઉદાહરણો છે. અમેરિકાએ આવુ સીરિયા, ઇજિપ્ત, લિબિયા સહિતના અનેક દેશો સાથે કર્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું આ નિવેદન એવા સમયે સામે આવી રહ્યું છે જ્યારે આ મહિને જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. અગાઉ પાક.ના સંરક્ષણ મંત્રી પોતાના દેશમાં આતંકવાદ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવી ચુક્યા છે. ખ્વાજા આસીફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.