America,તા.25
અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.
ભારતમાં જોખમ વધ્યું : અમેરિકા
અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતના મણિપુર, જમ્મુ-કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ અને દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં મુસાફરી ન કરવા કહેવામાં આવ્યું છે. ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં વિદેશ વિભાગે કહ્યું કે અપરાધ અને આતંકવાદને કારણે ભારતમાં સાવચેતીમાં વધારો કરાયો છે. કેટલાક વિસ્તારોમાં જોખમ વધી ગયું છે.
દેશના ઘણા ભાગો લેવલ 4 માં સામેલ
એકંદરે ભારતને લેવલ 2 પર રાખવામાં આવ્યું છે. પરંતુ દેશના ઘણા ભાગોને લેવલ 4 પર રાખવામાં આવ્યા છે. તેમાં જમ્મુ અને કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ, મણિપુર અને મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક ભાગોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે “આતંકવાદ અને નાગરિક અશાંતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર(પૂર્વીય લદ્દાખ ક્ષેત્ર અને તેની રાજધાની લેહ સિવાય)ની મુસાફરી કરશો નહીં.”
ઉત્તર-પૂર્વીય રાજ્યોની મુસાફરી પર પુનર્વિચાર કરવાની સલાહ
ભારત-પાકિસ્તાન સરહદના 10 કિમીની અંદરના વિસ્તારમાં આતંકવાદને કારણે અને મધ્ય અને પૂર્વ ભારતમાં મણિપુરમાં હિંસા અને અપરાધને કારણે સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાને ધ્યાનમાં રાખી આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ સાથે અમેરિકન્સને આતંકવાદ અને હિંસાને કારણે પૂર્વોત્તર રાજ્યોની મુસાફરી પર પુનર્વિચાર કરવાની ભલામણ કરી હતી.
‘આતંકવાદીઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે’
ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવાયું છે કે “ભારતીય સત્તાધીશોના અહેવાલો અનુસાર, દુષ્કર્મ એ ભારતમાં સૌથી ઝડપથી વધતા જતા ગુનાઓમાંનો એક છે. પર્યટન સ્થળો અને અન્ય સ્થળોએ જાતીય હુમલો જેવા હિંસક ગુનાઓ બન્યા છે. આતંકવાદીઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે. આતંકીઓ પ્રવાસી સ્થળો, પરિવહન કેન્દ્રો, બજારો, શોપિંગ મોલ્સ અને સરકારી સંસ્થાઓને લક્ષ્ય બનાવી શકે છે.