Washington, તા.4
અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો બનાવવા પર વિચાર કરી રહ્યું છે. આ વિશે જાણકારી આપી હતી.
સંભવિત ડિઝાઇનની તસવીરોમાં ડોનાલ્ડ ટ્રમ્પને મુઠ્ઠી ઉપરની તરફ ઉઠાવતા દર્શાવાયા છે, જેની સાથે લખ્યું છે ‘fight, fight, fight’.આ એ જ નારો છે જે તેમણે ગત વર્ષે પોતાની હત્યાના પ્રયાસની તુરંત બાદ આપ્યો હતો.
સિક્કાની બીજી બાજું ટ્રમ્પનો પ્રોફાઇલ ફોટો છે, જેના ઉપર ‘liberty’ અને નીચે ‘1776-2026’ લખેલું છે. આ તસવીર નાણાં સચિવ બ્રેડન બીચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે.
નાણાં મંત્રાલયના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘જોકે, અમેરિકાની 250મી વર્ષગાંઠ માટે અંતિમ 1 ડોલર સિક્કાની ડિઝાઇન હજું નક્કી નથી થઈ પરંતુ, આ પહેલો ડ્રાફ્ટ આપણાં દેશ અને લોકતંત્રની એ સ્થાયી ભાવનાને સારી રીતે દર્શાવે છે, જે મોટામાં મોટા સંકટનો પણ સામનો કરવા માટે કાયમ રહે છે.’
બ્રેડન બીચે કહ્યું કે, સરકારનું શટડાઉન ખતમ થયા બાદ આ વિશે જાણકારી શેર કરવામાં આવશે. હાલ નવા ખર્ચ બિલ પર સાંસદો વચ્ચે સંમતિ ન બનવાના કારણે અનેક સંઘીય કાર્ય બંધ પડ્યા છે.
આ પહેલાં 1976માં જ્યારે અમેરિકાએ સ્વતંત્રતાના 200 વર્ષ પૂરા કર્યા હતા, ત્યારે નાણાં મંત્રાલયે એક રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તે સમયે 1 ડોલરના સિક્કા માટે એક મૂર્તિકલા વિદ્યાર્થીની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી, જેમાં અમેરિકાની સ્વતંત્રતાના પ્રતીક ‘લિબર્ટી બેલ’ અને ચાંદ દર્શાવવામાં આવ્યો હતો.
સિક્કાની બીજી બાજું પૂર્વ પ્રમુખ ડ્વાઇટ ડી. આઇઝનહાવરની તસવીર હતી. તે 1969માં નિધન બાદ પહેલાં એવા પ્રમુખ બન્યા હતા જેની તસવીર 1971માં 1 ડોલરના સિક્કા પર છપાયેલી હતી.