Washington,તા.31
ભારત પર ટેરીફ લાદયા બાદના થોડા સમયમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે વ્યાપાર સમજુતી થઈ હોવાનો દાવો કર્યો છે અને જણાવ્યું હતું કે, અમેરીકા અને પાકિસ્તાન સંયુકત રીતે પાકિસ્તાનમાં ઓઈલ ફીલ્ડ વિકસાવશે.
તેમણે ભારતને પણ ટોણો માર્યો કે, ભવિષ્યમાં પાકિસ્તાન ભારતને ક્રુડતેલની નિકાસ કરી શકશે. જો કે તેમણે પાકિસ્તાન સાથેના વ્યાપાર સમજુતીમાં કેટલા ટકા લાદયા તે અંગે કોઈ જાહેરાત કરી ન હતી અને ઉમેર્યુ કે વ્હાઈટ હાઉસમાં તેમના માટે અત્યંત વ્યસ્ત દિવસ રહ્યો છે.
મે અનેક દેશોના રાષ્ટ્રવડાઓ સાથે મુલાકાત કરી છે અને સૌ અમેરીકાને ખુશ કરવા માગે છે અને અમેરીકા સાથેની વ્યાપાર ખાધ પણ ઘટાડવા તૈયાર છે. તેમણે કહ્યું કે, અમેરીકા અને પાકિસ્તાનની ઓઈલ કંપનીઓ સાથે મળીને કામ કરશે.
પાકિસ્તાનમાં ક્રુડ તેલનું ઉત્પાદન વધે તે અમેરીકા જોવા માગે છે. પાકિસ્તાન સાથેની વ્યાપાર સમજુતીમાં પણ બન્ને દેશો અત્યંત નજીક પહોંચી ગયા હોવાનો દાવો કરાયો છે. આમ પ્રમુખ ટ્રમ્પે પાકિસ્તાન તરફી તેમના વલણનો સંકેત આપી દીધો હતો.