Rajkot તા.26
ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે રાજયના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડીયાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેતા રાજકીય ચર્ચા શરૂ થઈ છે.
ગુજરાતમાં કેટલાંક વખતથી કેબીનેટ વિસ્તરણની ચર્ચા ચાલી જ રહી છે. ગઈકાલે પાર્ટી નેતાઓની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પણ તે વિશે સંકેત આપતા ચર્ચા વધુ જોર પકડવા લાગી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા અને મુખ્યમંત્રી જેવા સીનીયર નેતા સાથે બેઠક પણ કરી હતી. તેમાં કેબીનેટ વિસ્તરણ વિશે ચર્ચા થયાની અટકળો વ્યકત થવા લાગી છે.
પ્રધાન મંડળમાં ફેરફારની આવી અટકળો વચ્ચે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા. આ મુલાકાત કેબીનેટ વિચારણા આધારીત હતી કે કેમ તે વિશે રાજકીય ચર્ચા થવા લાગી છે.
પ્રધાનમંડળ વિસ્તરણની ચર્ચા કેટલાંક વખતથી ચાલી જ રહી છે અને તેમાં જયેશ રાદડીયાનું નામ પાકુ જ ગણવામાં આવતુ હતું. અગાઉની કેબીનેટમાં તેઓ પ્રધાનપદે રહી જ ચુકયા છે. ગત વખતે સ્થાન મળ્યુ ન હતું. પરંતુ હવે તેમનો સમાવેશ ફાઈનલ ગણવામાં આવે છે. તેવા સમયે મુલાકાતને સૂચક ગણવામાં આવે છે.
જીલ્લા બેંકની વાર્ષિક સભાનું આમંત્રણ આપવા ગયો હતો: જયેશ રાદડીયા
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ સાથે મુલાકાત વિશે ધારાસભ્ય જયેશ રાદડીયાએ કહ્યું કે જીલ્લા બેંકની વાર્ષિક સામાન્ય સભા આવતા મહિને યોજવાની છે તેનું આમંત્રણ આપવા માટે ગયો હતો. બાકી કોઈ રાજકીય એજન્ડા ન હતો.
અમિતભાઈનો સમય મળતા સાંજે જ દિલ્હી ગયો હતો. તેમને તેમના નિવાસસ્થાને મળ્યો હતો અને તુર્ત પરત આવી ગયો હતો.જીલ્લા બેંકની વાર્ષિક સભા આવતા મહિને યોજાવાની છે.
અમિતભાઈનો સમય-તારીખ મળે એટલે તેને અનુરૂપ આયોજન થઈ શકે તે માટેનો આશય હતો.શિડયુલ ચકાસીને જવાબ આપવાનું ગૃહ મંત્રીએ કહ્યું હતું. ભુતકાળમાં પણ અમિતભાઈ શાહ જીલ્લા બેંકનાં કાર્યક્રમમાં આવ્યા જ છે આ વખતે પણ હાજરી આપે તેવી સંભાવના છે.