Gondalતા.૨૪
ચકચારી અમિત ખૂંટના આપઘાત કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટ દ્વારા અમિત ખૂંટ આપઘાત કેસને લઈને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં હવે રાજદીપસિંહ જેલમાંથી મુક્ત થશે. છેલ્લા કેટલાય સમયથી આ કેસને લઈને ચકચાર મચી જવા પામી છે. ત્યારે વધુમાં આ કેસમાં રાજદીપસિંહને જામીન પણ મળી ગયા છે. જે મુદ્દો એક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આપઘાત કેસને લઈને ધરપકડથી બચવા માટે રાજદીપસિંહ ૬ મહિના સુધી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ દરમિયાન તેમણે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જામીન મેળવવાના પ્રયાસ કર્યા હતા. જોકે, ત્યાંથી પણ તેમને રાહત ન મળતા તેઓ આખરે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેને લઈને આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ગત ૧૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ હાજર થયા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ ૧૩ નવેમ્બરે જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. છેલ્લા ૮૪ દિવસથી તે જેલવાસ ભોગવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કરી હતી. જોકે, કોર્ટ દ્વારા આરોપીને કડક શરતો સાથે જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટે કહ્યું કે જો શરતોનું ઉલ્લંઘન થશે તો તેમના જામીન રદ થઈ શકે છે.

