Gandhinagar, તા.7
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે દૂધ નગરી આણંદ ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું.
વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા અમિત શાહે સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના પાંચ પી (P) સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું હતું
અમિત શાહે જણાવ્યું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રાલયને ચાર વર્ષ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના 60 વર્ષ અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ વર્ષના સુભગ સમન્વય આણંદમાં સહકાર સંમેલન સાથે અનેક કાર્યો થઇ રહ્યા છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રાલય ચાર વર્ષમાં પાંચ પી (P) આધારે કામ કરી રહ્યું છે. People (જનસેવા કેન્દ્રિત), PACS (પ્રાથમિક સહકારી મંડળીઓનું સશક્તિકરણ), Platform (ડિજિટલ પ્લેટફોર્મ), Policy (નવી નીતિઓ) અને Prosperity (સમાજની સંપન્નતા)ના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકાર પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તરી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ ડેરીના ચોકલેટ, દૂધ, દહી અને મોઝરેલા ચીજના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે એનડીડીબીના મુખ્યાલય ખાતે મણીબેન પટેલનું ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. દેશની દૂધ સહકારી મંડળીઓના રાષ્ટ્રીય સંગઠનનો પાયો પણ આ બન્ને મહાનુભાવોના હસ્તે નંખાયો છે.
તેમણે સરદાર પટેલ સહકારી દૂધ ડેરી ફેડરશનનું નોંધણી પત્ર અર્પણ કરી લોગોનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત કચ્છના રણમાં કામ કરતા અગિયારોને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના ઉદ્દાત હેતુંથી શરૂ કરાયેલી કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણી પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સહકારી ક્ષેત્રની સિદ્ધિઓ પર ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસહકાર આંદોલનની આગેવાની લીધી હતી, અને આજે સહકારીતામાં પણ અગ્રેસર છે. રાજ્યનું સહકારી ક્ષેત્ર રૂ. ચાર લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે, 27 લાખથી વધુ નવા બેંક ખાતાં ખોલવામાં આવ્યાં છે.
રૂ. 12000 કરોડથી વધુ થાપણો જમા થઈ છે. દૂધ ઉત્પાદનમાં રોજના 325 લાખ લિટરનો સંગ્રહ થાય છે. અને મહિલા-સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યામાં 21 ટકા તેમજ તેમની આવકમાં 43 ટકાનો વધારો નોંધાયો છે.
ચોથા સહકારીતા વર્ષની ઉજવણીના અવસરે ભારત સરકારના સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ તથા મુરલીધર મોહોલ, ભારત સરકારના મત્સ્ય અને પશુપાલન રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયન, ભારત સરકારના મત્સ્ય અને ડેરી વિભાગના રાજ્ય મંત્રી એસ.પી. બધેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, સાંસદ મિતેશભાઈ પટેલ, અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ, ગુકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, કેન્દ્ર સહકાર વિભાગના સહકારિતા સચિવ ડો. આશિષ કુમાર ભૂટાણી ઉપસ્થિત રહ્યા હતા.