Gandhinagar,તા.૨૮
ગાંધીનગર મહાનગરપાલિકાની નબળી કામગીરી અને વરસાદ બાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહને ગુસ્સે કર્યા છે. ૨૭ જૂન, ૨૦૨૫ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠકમાં અમિત શાહે જીએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓની હલકી ગુણવત્તાની કામગીરી અને વહીવટી નિષ્ફળતા માટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી, જેમાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અમિત શાહે ખાસ કરીને વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અને નબળી ગુણવત્તાના બાંધકામો પર નારાજગી વ્યક્ત કરી અને ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા.
અમિત શાહની ફટકાર બાદ ગાંધીનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેતા ૨૮ જૂન, ૨૦૨૫ના રોજ, રજાના દિવસે પણ અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ કરી. બેઠકમાં ય્સ્ઝ્રના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો હેતુ શહેરની ડ્રેનેજ સિસ્ટમ, રસ્તાઓની ગુણવત્તા અને અન્ય વિકાસ કાર્યોમાં સુધારો લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની યોજના ઘડવાનો હતો.
‘દિશા’ બેઠકનું આયોજન ગાંધીનગર જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવા માટે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં જિલ્લાના વિકાસ કાર્યોની વિગતે ચર્ચા કરવામાં આવી, જેમાં નારણપુરા, સાબરમતી, ઘાટલોડિયા અને વેજલપુર જેવી વિધાનસભા મતવિસ્તારોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. અમિત શાહે અગાઉ પણ ૨૦૨૧માં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં તળાવોના સૌંદર્યીકરણ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે આવાસ યોજનાઓને પ્રાથમિકતા આપવા જેવી સૂચનાઓ આપી હતી, જે દર્શાવે છે કે તેઓ તેમના મતવિસ્તારના વિકાસ પ્રત્યે સતત સક્રિય રહ્યા છે.
વરસાદ બાદ ગાંધીનગરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાએ ય્સ્ઝ્રની ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને ઉજાગર કરી છે. અમિત શાહે આ બેઠકમાં શહેરની નબળી ગુણવત્તાની બાંધકામ સામગ્રી અને અપૂરતી આયોજનબદ્ધ વ્યવસ્થા પર કડક ટીકા કરી. તેમણે અધિકારીઓને આ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને વિકાસ કાર્યોને ગતિ આપવા સૂચના આપી. આ ઉપરાંત, તેમણે ગાંધીનગરમાં છેલ્લા ૬ વર્ષમાં રૂ. ૨૫,૦૦૦ કરોડના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને નાગરિકોની સુવિધાઓ વધારવા અને ગુજરાતને ૨૦૪૭ સુધીમાં પર્યાવરણ-મૈત્રીપૂર્ણ રાજ્ય બનાવવા પ્રયાસોને વેગ આપવા જણાવ્યું.