Amreli,તા.01
અમરેલીમાં રહેતી એક સગીર વયની પુત્રી સાથે તેણીના જ પાલક પિતાએ સતત ત્રણ વર્ષ સુધી તેણીની ઇચ્છા વિરૂધ્ધ અમરેલી તથા ચલાલા નજીક આવેલ હુડલી ગામે આંબાના બગીચામાં અવારનવાર દુષ્કર્મ ગુજારિયાની પોલીસમાં જે તે સમયે પોલીસમાં ભોગબનનારની માતાએ પોલીસમાં નોંધાવેલ હતી. તે અંગેનો કેસ અમરેલીની એડી.સેશન્સ કોર્ટ તથા સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપી સાવકા પિતાને આજીવન જેલની સજા તથા રૂપિયા ૩૩ હજારના દંડની સજાનો હુકમ તથા ભોગ બનનાર તરૂણીને રૂપિયા ૪ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.
આ બનાવમાં અમરેલીમાં રહેતી એક ૧૪ વર્ષ ૬ માસની ઉંમર ધરાવતી સગીર વયની પુત્રીની માતા ઘર બહાર મજુરી કામે જતી હતી. ત્યારે તરૂણી સાથે તેણીના જ પાલક પિતા આરોપી હરસુખભાઇ બાબુભાઇ ચીખલીયાએ ગત તા. ૨૦-૮-૧૬ પહેલાના સતત ત્રણ વર્ષ સુધી તેણીની ઇચ્છા વિરૂધ્ધ અમરેલી તથા ચલાલા નજીક આવેલ હુડલી ગામે આંબાના બગીચામાં લઈ પોતાની જ સાવકી પુત્રીને માર મારી ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ ગુજારેલ હતો.
આ બનવાની જાણ ભોગ બનનાર તરૂણીની માતાને થતાં તરુણીની માતાએ આ બાબતે પોતાના પતિને ઠપકો આપતા તરૂણીની માતાને પણ આરોપીએ માર મારી અને કહેલ કે એક વાર દુષ્કર્મ કરવાની સજા પણ એ જ છે. અને દસ વાર કરવાની સજા પણ એ જ છે. તારે મને આ તારી દિકરી સાથે હું જેમ કહું તેમ કરવા દેવું પડશે તેવી ધમકી આપતાં તરુણીની માતા પોતાની પુત્રી સાથે છુપાઈને પોતાના પિયર પહોંચી ગઈ હતી. અને બાદમાં જે તે સમયે પોલીસમાં ભોગ બનનારની માતાએ પોલીસમાં નોંધાવેલ હતી.
આ અંગેનો કેસ અમરેલીની એડી.સેશન્સ કોર્ટ તથા સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને માન્ય રાખી સ્પે.જજ ડી.એસ. શ્રીવાસ્તવએ આ બનાવના આરોપી અને ભોગબનનાર તરૂણીના સાવકા પિતા હરસુખ બાબુભાઇ ચીખલીયાને આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬માં ૭ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦ હજારનો દંડ તેમજ પોકસો એક્ટ કલમ ૪, ૮, ૧૮ તથા ૩૭૬માં આજીવન જેલની સખત સજા તથા રૂપિયા ૨૦ હજારના દંડ તથા આઇ.પી.સી. કલમ ૩૨૩ માં ૧ વર્ષની સજા તથા રૂપિયા ૧ હજારનો દંડ તથા આઇ.પી.સી. કલમ ૫૦૬(૨)માં ૫ વર્ષની સજા તથા રૂપિયા ૨ હજારના દંડની સજાનો હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનાર તરૂણીને રૂપિયા ૪ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.