Amreli, તા.28
ગુજરાત રાજયના વિભાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે, ષડયંત્ર રચી સોશિયલ મીડિયામાં એક નકલી લેટરપેડમાં લખાણ કરવાનો ગુન્હો અમરેલી સીટી પોલીસમાં દાખલ થતાં અમરેલી એલ.સી.બી. ટીમે એક મહિલા સહિત ચાર ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં ગત તા.૨૭ નાં કોઈ અજાણ્યા ઇસમે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના કિશોરભાઈ આર. કાનપરીયાના નામ તથા હોદ્દા વાળો બનાવટી લેટરપેડ કપટ પુર્વક બનાવી જેમાં કિશોરભાઈ તથા ગુજરાત રાજયના વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે એનકેન પ્રકારે ખોટા આક્ષેપો વાળુ કોમ્પ્યુટરાઇઝ લખાણ, ખોટી સહી કરી, પ્રમુખ તાલુકા પંચાયત, અમરેલીના હોદ્દાનો ખોટો સ્ટેમ્પ (સીક્કો) બનાવી, લેટરપેડમાં સહી નીચે સ્ટેમ્પ (સીક્કો) લાગી, ખોટુ લખાણ કિશોરભાઈ કાનપરીયાના ધ્યાન બહાર તેના નામથી બનાવી, લોકોમાં ભય ફેલાવી ગભરાટ પેદા કરવાના ઇરાદે તેમજ કિશોરભાઈ કાનપરીયા નામ વાળો લેટરપેડનો પત્ર જેને ઉદ્દેશીને લખેલ છે તેને છેતરવાના ઇરાદે ખોટા લખાણ વાળુ લેટરપેડ જે બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતા અન્ય લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારીત કરી ગુનો કરેલ હોય, જે અંગે કિશોરભાઈ રવજીભાઇ કાનપરીયા, રહે.વિઠ્ઠલપુર (ખંભાળીયા) (તા.જિ.અમરેલી) વાળાએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૪૦૮૩૮/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૩૬(૩), ૩૩૬(૪), ૩૪૦(૨), ૩૫૩(૧)(બી), ૩૫૬(૨), ૩૫૬(૩), ૩૧૯(૨) તથા ઇન્ફોર્મેશન ટેકનોલજી એકટ ૨૦૦૦ ની કલમ ૬૬ (ડી) મુજબની ફરિયાદ નોંધાવેલ હતી.
આ બનાવ અંગે ભાવનગર રેન્જ આઈ.જી.એ સાયબર ક્રાઇમ લગત ગંભીર અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ ઉપરોક્ત સોશિયલ મીડીયા લગત ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ઉપરોકત વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ ટીમને જરૂરી માર્ગદશર્ન આપેલ હતું.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એ.એમ. પરમારની રાહબરી હેઠળ ઉપરોકત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પત્ર અંગે દાખલ થયેલ સાયબર ક્રાઈમ ગુનાના આરોપીઓને ટેકનીકલ રીતે તપાસ કરી અમરેલીના લીલીયા રોડ, ખોડલધામ સોસાયટી ૩,માં રહેતા મનિષકુમાર ચતુરભાઈ વઘાસીયા, અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર (ખંભાળીયા) ગામે રહેતી પાયલબેન અશ્વિનભાઈ ગોટી, અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે રહેતા અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા તથા જીતુભાઈ બાવચંદભાઈ ખાત્રા નામના આરોપીને શોધી કાઢી, તમામ આરોપીઓને પકડી પાડી, ગણતરીની કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.