Amreli,તા.20
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે (MSP) મગફળી વેચવા માટે નોંધણી કરાવનાર 5હજારથી વધુ ખેડૂતોના રજિસ્ટ્રેશન અચાનક રદ થતા ખેડૂત વર્ગમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોને તેમના મોબાઈલ પર સીધો રજિસ્ટ્રેશન રદ થયાનો મેસેજ મળતા ભારે નિરાશા અને આક્રોશની લાગણી પ્રસરી ગઈ છે. હવે આ મુદ્દે રાજ્ય સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી જોરદાર માંગ ઉઠી છે.
ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવેલ છે કે તેઓ આખું વર્ષ મહેનત કરીને મગફળીનો પાક ઉભો કરે છે. ખેતીમાં બિયારણ, દવા, ખાતર, મજૂરી સહિતનો ભારે ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ પાક તૈયાર થયા બાદ તેને યોગ્ય ભાવમાં વેચાણ કરવાની તક કાપી નાખવામાં આવે છે. ટેકાના ભાવે વેચાણ કરવાની સુવિધા ખેડૂતો માટે એક સુરક્ષા કવચ સમાન છે, કારણ કે બજારમાં ઘણીવાર મગફળીનો ભાવ MSP કરતા ઓછો રહે છે.
આવી પરિસ્થિતિમાં CCI (Cotton Corporation of India) દ્વારા રજિસ્ટ્રેશન રદ કરવાના મેસેજ મળતા ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે. ખેડૂતોએ વધુમાં જણાવાયું હતું કે, રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન તેઓએ તમામ જરૂરી દસ્તાવેજો અને વિગતો પૂરી પાડેલી હતી. તેમ છતાં, કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વગર એકતરફી રીતે રજિસ્ટ્રેશન રદ કરવું યોગ્ય નથી. કેટલાક ખેડૂતોનો એવો દાવો છે કે, સિસ્ટમની ખામી અને કાગળ પત્રની ભૂલને કારણે રજિસ્ટ્રેશન રદ કરાયા હોઈ શકે છે.
પરંતુ તેનો ખમિયાજો ખેડૂતોને શા માટે ભોગવવો પડે? તેવો સવાલ કરેલ છે. આ પરિસ્થિતિએ ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. અને સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ખેડૂતો ઈચ્છે છે કે, આ રદ કરાયેલા રજિસ્ટ્રેશનની પુન:તપાસ કરવામાં આવે અને યોગ્ય ખેડૂતને ટેકાના ભાવે પાક વેચવાની તક આપવામાં આવે.
જિલ્લામાં ખેડૂતોનું કહેવું છે કે જો આ મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનના માર્ગે ઉતરશે. બીજી તરફ, સ્થાનિક કૃષિ મંડળો અને ખેડૂત સંગઠનો પણ આ મુદ્દે એકજૂટ થઈને ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકાર પર દબાણ લાવવાની તૈયારીમાં છે.
ખેડૂતો માટે આર્થિક નુકસાનની સાથે સાથે માનસિક તણાવ પણ વધી રહ્યો છે. સરકાર અને સંબંધિત તંત્રે તાત્કાલિક આ મામલે ગંભીરતાથી પગલાં લેવાની જરૂર છે. જેથી ખેડૂતોની મહેનત પર પાણી ન ફરી વળે અને તેમની પાકને યોગ્ય ટેકાના ભાવે વેચાણ કરવાની સુવિધા પુન:સ્થાપિત થાય તેવી માંગ કરેલ છે.