વારંવાર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદો નોંધાવી ત્રાસ આપતો હોવાનો આક્ષેપ
Rajkot,તા.20
શહેરની ભાગોળે આવેલ ભુપગઢ ગામના રહીશોને રાકેશ રાઠોડ નામનો શખ્સ વારંવાર ટાર્ગેટ કરીને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદો કરી ત્રાસ આપતો હોય તેવા આક્ષેપ સાથે ગ્રામજનો પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને રાકેશ રાઠોડના રંઝાડમાંથી મુક્તિ અપાવવા રજુઆત કરવામાં આવી હતી.
પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજુઆત કરવા આવેલા ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, અમારા ગામ ભુપગઢ ખાતે રાકેશભાઈ જસાભાઈ રાઠોડ રહે છે અને તેઓ અનુસુચિત જાતિના હોય તેઓ પોતાની જાતિને લઈને કાયદાનો દૂરઉપયોગ કરીને ગ્રામજનોનો બ્લેક મેઈલ કરવા માટે વારંવાર ગ્રામજનો વિરૂદ્ધ યેનકેન પ્રકારે ખોટી ફરીયાદો, આવેદનો આપીને ટાર્ગેટ કરે છે. વધુમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, રાકેશ જસાભાઈ રાઠોડ એક જ જ્ઞાતિને ટાર્ગેટ કરે છે અને તેના વિરૂદ્ધ વૈમનસ્ય રાખીને ખોટી ફરીયાદો કરે છે. રાકેશના પિતા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ થયેલ હતો અને તેમાં તેને સજા થયેલ હતી જે બાબતનો ખાર રાખીને કાયદાનો દૂરઉપયોગ કરીને ગ્રામજનો વિરૂદ્ધ તેઓ વારંવાર ખોટી ફરીયાદો અને આવેદનો આપીને હેરાન-પરેશાન કરતા રહે છે અને માનસિક અને આર્થિક રીતે લોકોને બરબાદ કરવાના ઈરાદાથી આવા કાર્યો કરતા રહે છે.
ગ્રામજનોએ જણાવ્યું હતુ કે, રાકેશ જસાભાઈએ આજદિન સુધી કરેલ ફરીયાદો, આવેદનોની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે. ભુપગઢ ગામના લોકો સાથે મળીને રહે છે પણ અગાઉ ચૂંટણીમાં સરપંચ તરીકે અનુસુચિત જ્ઞાતિના કેન્ડીડેટને જંગી બહુમતીથી ચૂંટેલ હોય અને સામા પક્ષે તેમના કેન્ડીડેટની હાર થતા રાજકીય ખાર રાખીને પણ એક યા બીજા પ્રકારે લોકોને પરેશન કરે છે. વધુમાં ગ્રામ પંચાયત તરફથી ગામ માટે થતા વિકાસના કાર્યોમાં પણ ખોટી અરજીઓ કરીને ગામનો વિકાસ રૂંધાય અથવા ઢીલમાં પડે તેવા તેના સતત પ્રયાસો રહે છે. રાકેશ અને તેના પિતા દેશી દારૂના હાટડા ચલાવે છે, ગ્રામજનો વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરે છે અને ગ્રામજનોમાં વૈમનશ્ય ફેલાય તેવા નિવેદનો જાહેરમાં આપે છે અને તેને કોઈ સમજાવટ કરવા જાય તો એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ધમકીઓ આપે છે. જેથી રાકેશ રાઠોડના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી રજુઆતો ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.