Surat,તા.૧૪
સુરત શહેરમાં આંગડિયા પેઢી દ્વારા આરટીજીએસ ટ્રાન્સફરના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. આ એક ટોળકીના ત્રણ આરોપીઓ આરટીજીએસ દ્વારા આંગડિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરાવવાની લાલચ લોકોને આપતા હતા. આ ઠગ ટોળકીનો ટાર્ગેટ બનેલા ૫૧ લાખ ગુમાવવા એક યુવક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઠગ ટોળકી લોકોને આંગડિયા પેઢીમાં પૈસા આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવવાની લાલચ આપતી હતી. આવી જ રીતે લાલચમાં આવી એક યુવકે ઠગ ટોળકીને આરટીજીએસ માટે ૫૦ લાખ રૂપિયા તથા કમિશન તરીકે ૧ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ આ ઠગબાજોએ આરટીજીએસ ન કરી કુલ રૂ. ૫૧ લાખની છેતરપિંડી આચરી હતી. જોકે પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થતા જ આ પીડિત યુવક સરથાણા પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ ફરિયાદને આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી કિશોર ઘોડાદરા, કિરીટ પટેલ અને જયેશ કેરાસીયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, આ ત્રણેય આરોપી સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી છે અને દલાલીના ધંધા સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ પાસેથી કુલ રૂ. ૧૨.૫૦ લાખની રકમ જપ્ત કરાઈ છે. વધુમાં આ આરોપીઓએ બીજી કેટલા લોકો સાથે આવી રીતે ઠગાઈ કરી છે? અથવા તેઓ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? તે દિશામાં હાલ તપાસ ચાલુ કરાઈ છે.
૫૧ લાખ જેટલી મોટી રકમ હોવાથી સરથાણા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ ઝડપી કાર્યવાહી કરી છે. ત્યારે ડીસીપી આલોક કુમારે પણ સ્પષ્ટ પણે કહી દીધું છે કે,આરટીજીએસના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી આ ટોળકી વિરુદ્ધ કડક પગલાં લેવાશે. આવી રીતે નાણાકીય ઠગાઈ કરનારા કોઈપણને છોડવામાં નહીં આવે.” હાલ આરોપીઓની પૂછપરછ શરુ છે અને આ મામલે વધુ ખુલાસા થાય તો નવાઈ નહીં.