Mumbai, તા.2
એક સમયના દેશના ટોચના ઉદ્યોગપતિ તરીકે નામના મેળવનાર અનિલ અંબાણી ફરી એક વખત કમબેક કિંગ તરીકે આવી રહ્યા હોય તેવા અહેવાલ વચ્ચે જ હવે દેશની ટોચની સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રિલાયન્સ કોમ્યુનિકેશનની લોનને ફ્રોડ તરીકે જાહેર કરવા નિર્ણય લેતા જ અનિલ અંબાણીને મોટો આંચકો લાગે તેવી શકયતા છે.
રિલાયન્સ કોમ્યુનિકેશન જે એક વખત દેશમાં ટેલિકોમ સેવામાં નામના ધરાવતી હતી તેને પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આ નિર્ણયને સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે 23 જુન, 2025 બેંક તરફથી મળેલા પત્રના આધારે રિલાયન્સ કોમ્યુનિકેશનને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલા ધિરાણને ફ્રોડ તરીકે જાહેર કરશે.
તેમાં પ્રથમ નામ અનિલ અંબાણીનું મુકવામાં આવ્યું છે. બેંંકો જે સામાન્ય રીતે ધિરાણમાં યોગ્ય માહિતીના અભાવે ધિરાણ અપાયું હોય તેને ફ્રોડ તરીકે ગણે છે અને તેથી જ રિલાયન્સ કોમ્યુનિકેશનને અગાઉ અપાયેલા ધિરાણને ફ્રોડ જાહેર કરવા નિર્ણય લીધો છે.
જોકે બેંક અથવા તો રિલાયન્સ કોમ્યુનિકેશને આ ધિરાણની રકમ અંગે કોઇ માહિતી આપી નથી. તો બીજી તરફ કંપનીએ દાવો કર્યો છે કે તેને ઇન્સોલવન્સી પ્રોટેકશન પ્રાપ્ત છે.
એટલે કંપની અગાઉ જ ખુદને દેવાળીયા તરીકે જાહેર કરી છે અને તેની સામે આ પ્રકારની કાર્યવાહી થઇ શકે નહીં. અગાઉ કેનેરા બેંકે પણ રિલાયન્સ કોમ્યુનિકેશનને અપાયેલી ધિરાણને ફ્રોડ જાહેર કર્યુ હતું પરંતુ તેની સામે મુંબઇ હાઇકોર્ટે સ્ટે આપી દીધો હતો.