New Delhi,તા.૨૪
છત્તીસગઢના ૨૨ વર્ષીય દોડવીર અનિમેષ કુજુરે એથ્લેટિક્સમાં ઇતિહાસ રચ્યો છે. તેણે ૨૦૨૫ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ટુર્નામેન્ટ ૧૩ થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન ટોક્યોમાં યોજાશે. ચેન્નાઈમાં નેશનલ ઇન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
તેણે ૨૦.૬૩ સેકન્ડનો સમય લઈને ટોક્યો રોડ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધુ સુધાર્યું છે. અનિમેષે આ સિઝનમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર બંને રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા છે. તેણે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે અને મોનાકો ડાયમંડ લીગમાં અંડર-૨૩ માં ૨૦૦ મીટર ઇવેન્ટમાં ભાગ લીધો છે. અનિમેષના પ્રદર્શન અંગે, તેના કોચ માર્ટિન ઓવેન્સે કહ્યું કે હું આ લાંબી સિઝનથી ખૂબ ખુશ છું. અમને સિઝનમાં આટલી શરૂઆતમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડવાની અપેક્ષા નહોતી. તેની જીત સાથે, તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે અને આ એક મોટી સિદ્ધિ છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા, કુજુર તેના શરીરને થોડો આરામ આપશે અને કેટલાક તાલીમ શિબિરોમાં ભાગ લેશે. તેણે આ વર્ષની શરૂઆતમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં કેટલાક તાલીમ શિબિરોમાં હાજરી આપી હતી. હવે તેનું ધ્યાન ટોક્યો ચેમ્પિયનશિપ માટે પોતાને તાજું રાખવા પર રહેશે. આ વર્ષની શરૂઆતમાં, કુજુરે કોચીમાં ફેડરેશન કપમાં ૨૦૦ મીટર રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. બાદમાં, તેણે ગ્રીસમાં ડ્રોમિયા ઇન્ટરનેશનલ સ્પ્રિન્ટ અને રિલે મીટિંગમાં ૧૦.૧૮ સેકન્ડ સાથે ૧૦૦ મીટર રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો.
અનિમેષ ચાર ખેલાડીઓ (ગુરિન્દરવીર સિંહ, મણિકાંત અને અમલાન બોર્ગોહેન) ના જૂથનો ભાગ હતો જેણે ૩૮.૬૯ સેકન્ડ સાથે ૪ટ૧૦૦ મીટર રિલેનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. આ પછી, તે યુરોપના પ્રવાસ પર ગયો, જ્યાં તેણે ડ્રોમિયામાં ૧૦.૧૮ સેકન્ડમાં ૧૦૦ મીટર દોડ પૂર્ણ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. આ પછી, તે ઓડિશા અને આંતર-રાજ્ય સ્તરે આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂર બ્રોન્ઝ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારત પાછો ફર્યો.