Ahmedabad,તા.17
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 15 ઓગષ્ટ,1988 નાં રોજ ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન પિસ્તોલથી ગોળીઓ ધરબી દઈને સરાજાહેર હત્યા કરવાનાં કેસમાં ટાડા એક્ટ (ત્રાસવાદ વિરોધી ધારો) હેઠળ આજીવન કારાવાસની સજા પામેલા અનિરૂદ્ધસિંહ જાડેજા (રીબડા) ને વર્ષ 2018 માં જેલમાંથી રેમિસન (સજા માફી) આપીને મુક્ત કરવાના કેસના મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને, પૂર્વ જેલ એડીજીપી ટી.એસ.બીષ્ટ અને જાડેજાને નોટિસ કાઢી જવાબ માગતા વધુ સુનાવણી આગામી તા. 28 માં રોજ રાખી.
સ્વ. પોપટભાઈ સોરઠીયાનાં પૌત્ર હરેશ દ્વારા જેલમાથી વહેલા મુક્ત કરી દેવાના વર્ષ 2018નાં આદેશ સામે અરજી કરાઇ છે. તેમાં રજૂઆત કરવામાં આવી છે કે ગત તા. 29 જાન્યુઆરી, 2018 નાં રોજ તત્કાલીન જેલ વિભાગના એડીજીપી ટી.એસ.બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલને પત્ર લખાયો હતો અને તેના આધારે તરત જાડેજાને સજા માફી આપીને મુક્ત કરાયા હતા. તેનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે જાડેજા દ્વારા 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે.
પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજીવન કેદની સજા જીવે ત્યાં સુધી ભોગવવાની હોય છે. આથી સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય સરકાર દ્વારા વિગતવાર પ્રકિયા નક્કી કરવામાં આવી હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી અને માત્ર જાડેજાના પુત્ર દ્વારા લખવામાં આવેલા એકમાત્ર પત્ર નાં આધારે તેને સજા માફીની અરજી ઉપર મુકત કરી દેવાયા હતા.
આથી સમગ્ર પ્રક્રિયાનું પાલન કર્યું હતું કે નહિ તે બાબતે સરકાર દ્વારા સોગંદનામુ રજૂ કરીને જવાબ આપવો જોઈએ. નહિ તો સમગ્ર પ્રક્રિયામાં કાયદાકીય નિયમોનું પાલન નહિ કરાયું હોવાથી તેમને બાકીની સજા ભોગવવા માટે પરત જેલમાં ધકેલવા જોઈએ.
વધુમાં રજૂઆત કરાઈ હતી કે જાડેજા દ્વારા અવારનવાર જેલના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો અને એક વાર તો મેડિકલ સારવારના બહાને વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય રેલીઓ સંબોધી હતી. જે બાબતે હાઇકોર્ટમાં પિટિશન થઈ હતી. જાડેજાની વહેલી મુક્તિ બાબતે અગાઉ પણ બે અરજીઓ હાઇકોર્ટમાં થઈ હતી પરંતુ અરજદારો હાજર નહિ રહેતા નિકાલ કરવામાં આવ્યો હતો.
અરજદાર દ્વારા અગાઉ સુપ્રીમ કોર્ટમાં આ બાબતે અરજી કરાઈ હતી પરંતુ ગુજરાત નો કોર્ટમાં જવા ની મંજુરી સાથે નિકાલ કરાયો હતો. અરજદાર દ્વારા અત્યાર સુધી અરજી એટલા માટે નહોતી કરાઈ કારણ કે અગાઉ ની બે અરજીઓ પડતર હતી અને પરિવાર ભયભીત હોવાથી અત્યાર સુધી નિર્ણય લઈ શકાયો નહોતો.
ઉપરોક્ત હત્યાના બનાવ બાદ પરિવાર દ્વારા પોતાની તમામ મિલકત વેચીને ગોંડલ છોડી જવામાં આવ્યું હતું. પરંતુ હવે આ કાર્યવાહી ખોટી રીતે કરાઈ હોવાથી પિટિશન કરવામાં આવી છે.
કેસની વિગતો મુજબ જાડેજા દ્વારા 15 ઓગસ્ટ, 1988 નાં રોજ ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પોપટભાઈ સોરઠીયાની અનિરુધ્ધસિંહ જાડેજા દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જ થી ગોળીબાર કરીને કરાઈ હતી હત્યા. જાડેજાના પિતા મહિપતસિંહ જાડેજા જેઓ એક સમયે ધારાસભ્ય રહી ચૂક્યા હતા.
તેમની રાજકીય દુશ્મનાવટ માં આ કૃત્ય કરતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. જાડેજા અને નિલેશ કુમાર નામના વ્યક્તિની ટાડા ની જોગવાઇ હેઠળ ધરપકડ કરાઈ હતી.નીચલી કોર્ટમાં કેસ ચાલી જતાં આ કેસના મહત્વના સાક્ષીઓ ફરી ગયા હોવાથી બંને આરોપીઓને નિર્દોષ મુકત કરાવામાં આવ્યા હતા.
ત્યારબાદ સરકાર દ્વારા અપીલ કરવામાં આવતા સર્વોચ્ચ અદાલત દ્વારા તા. 10 જુલાઈ, 1997 નાં રોજ આજીવન કેસની સજા ફરમાવાઈ હતી. સજા ફરમાવયા બાદ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતા. સરકાર અને જાડેજા સહિતના પક્ષકારોને નોટિસ બાદ હવે મહત્વની સુનાવણી આગામી તા. 28 ના રોજ હાથ ધરવામાં આવશે.