Ahmedabad,તા.27
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બી. જે. મેડિકલ કૉલેજના એમબીબીએસના 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. કૉલેજના જુનિયર ડૉક્ટર ઍસોસિએશન દ્વારા ઘાયલ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ કરવા માટે ગુજરાત યુનિ.ને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે યુનિ. દ્વારા એમબીબીએસના 10 અને ફિઝિયોથેરાપીના 1 તેમજ 1 રેસિડેન્ટ ડૉક્ટર સહિત 12 વિદ્યાર્થીઓની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી. જે. મેડિકલ કૉલેજના ડીનને લખવામાં આવેલા પત્ર મુજબ સરકારના સૂચન અને જુનિયર ડૉક્ટર એસો.ની રજૂઆતને ધ્યાને લઈને લઈને પ્લેન ક્રેશની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે યુનિ.ની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવશે આવશે. કુલ 12 વિદ્યાર્થીઓની તમામ પ્રકારની શૈક્ષણિક ફી માફ કરવામાં આવી છે. આ 12 વિદ્યાર્થીઓમાં બી. જે કૉલેજના એમબીબીએસ પ્રથમ વર્ષના બે અને બીજા વર્ષના 8 વિદ્યાર્થીઓ છે. ઉપરાંત એક વિદ્યાર્થી ફિઝિયોથેરાપીના ફાઇનલ વર્ષનો છે. બી. જે. મેડિકલ કૉલેજ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કૉલેજના એમબીબીએસના પ્રથમ વર્ષના જે 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તેઓની શૈક્ષણિક ફી પરત કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે અને ફી પરત કરાશે. જ્યારે સરકારી કૉલેજ હોવાથી સરકાર દ્વારા લેવાતી વાર્ષિક ટ્યુશન ફી પણ પરત કરવા માટે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.