New Delhi,તા.04
આજથી શરૂ થયેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની મોનેટરી કમીટીની બેઠકમાં તા.6 ઓગષ્ટના રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર શ્રી સંજય મલ્હોત્રા વ્યાજદર અંગે નિર્ણય જાહેર કરશે અને ફરી એક વખત વ્યાજદરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.
ખાસ કરીને રિઝર્વ બેન્કે સતત ત્રણ મોનેટરી બેઠકમાં જે રીતે 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી પણ બજારમાં ધિરાણની માંગ તેટલી વધી નથી અને બેન્કો પાસે લીકવીડીટી-પ્રવાહીતાની સ્થિતિ અત્યંત વધી છે.
બેન્કોને નાણા ‘પાર્ક’ કરવાની પણ ચિંતા છે. થાપણોના દર ઘટાડયા બાદ પણ થાપણો આવી રહી છે અને હાલ જે રીતે ટેરીફનો મુદો છે અને ભારતીય વ્યાપાર-ઉદ્યોગને અમેરિકાના ઉંચા ટેરીફનો સામનો કરવો પડી રહ્યો છે તેથી તેઓ સરકાર પાસે રાહતની આશા રાખે છે.
હાલ રેપોરેટ 5.5% નોંધાયો છે અને રિઝર્વ બેન્ક તેમાં વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. ખાસ કરીને પુરા વર્ષ માટે આગામી ખરીફ પાક મહત્વનો છે અને તહેવારોની લાંબી સીઝન- વેકેશન વિ. આવી રહ્યા છે જેનાથી વ્યાપાર-ધંધા વધશે.
સરકાર બેન્ક ધિરાણમાં વૃદ્ધિની આશા રાખે છે અને જો વ્યાજદર ઘટે તો બજારમાં નવા રોકાણ માટે પણ તક સર્જાશે. હાલમાંજ સરકારે તેના રિપોર્ટમાં જે રીતે છૂટક મોંઘવારી ઘટી છે તેથી વ્યાજદરમાં ઘટાડાની આશા દર્શાવી છે.
તો રિઝર્વ બેન્કના ગવર્નરે પણ હજું વધુ એક વ્યાજદર ઘટાડાની શકયતા દર્શાવી હતી. સરકાર માને છે કે લાંબાગાળા સુધી ધિરાણને વેગ આપવા માટે હાલ શ્રેષ્ઠ તક છે અને રોકાણ વધશે તો ટ્રમ્પ ટેરીફ સહિતના મુદે જે નકારાત્મક અસર છે તે દુર કરવામાં સફળતા મળશે.