Philippines તા.10
દક્ષિણી ફિલીપીન્સમાં આજે સવારે 7.6 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. મિંડાનાઓ શહેરમાં એક મિટરથી વધુ ઉંચા મોજા ઉછળવાની આશંકા છે. ભૂકંપથી 300 કિલોમીટરનાં ક્ષેત્રમાં સુનામીનો ખતરો તોળાઈ રહ્યો છે. આસપાસનાં કિનારાના વિસ્તારોને ઉંચા સ્થળે પહોંચી જવા કહેવામાં આવ્યુ છે.
ભૂકંપનાં કારણે હજુ તત્કાળ કોઈ નુકશાનીનાં ખબર નથી. આ અંગેની વિગત મુજબ ફિલીપીન્સનાં મિંડાનાઓ ક્ષેત્રમાં આજ સવારે શકિતશાળી ભૂકંપથી ધરતી કાંપી ઉઠી હતી. યુરોપીય ભુમધ્ય સાગરીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ ભૂકંપની તીવ્રતા 7.3 ની હતી તેનું કેન્દ્ર 62 કિલોમીટરની ઉંડાઈ પર હતું.
અમેરિકી સુનામી ચેતવણી સિસ્ટમે ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે ભૂકંપનાં કેન્દ્રથી 300 કિલોમીટર આવેલ તટો પર ખતરનાક સુનામી લહેરો આવી શકે છે. ફિલીપીન્સનાં અધિકારીઓએ લોકોને એલર્ટ રહેવાનું કહ્યું છે. પહેલા ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. બાદમાં તેને વધારીને 7.6 કરી દેવામાં આવી હતી.
ભૂકંપ બાદ સુનામીની લહેરની ચેતવણી અપાઈ છે. ફિલીપીન્સ ઈન્સ્ટિટયુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ જણાવ્યું છે કે આ સુનામીની લહેરો કલાકો સુધી ચાલુ રહી શકે છે. આ લહેરો સામાન્યથી 1 મીટરથી વધુ ઉંચી ઉછળવાની આશંકા છે.
ફિલીપીન્સના તટ પર કેટલાંક ભાગોમાં સુનામીની લહેરો 3 મીટર ઊંચી ઉછળી શકે છે. જયારે ઈન્ડોનેશીયા અને પલાઉમાં નાની લહેરોની સંભાવના છે. મંડાનાઓ ક્ષેત્રનાં દાવાઓ ઓરિએન્ટલના મનાય શહેરના તટવર્તી જલ ક્ષેત્રમાં જોરદાર ભુકંપ બાદ નુકશાન અને ઝટકાની ચેતવણી અપાઈ છે.
હાલ તો ફિલીપીન્સમાં જોરદાર ભૂકંપથી નુકશાનના કોઈ ખબર નથી. ફિલીપીન્સની ભૂકંપ શાસ્ત્રીય એજન્સીએ વધુ આફટર શોકસની ચેતવણી આપી છે. અડધા કલાકમાં 5.9 અને 5.6 ની તીવ્રતાનાં ભૂકંપનાં અનેક આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહમાં ફિલીપીન્સમાં આ બીજો જોરદાર ભૂકંપ છે. જેમાં 74 લોકોના મોત થયા હતા અનેક ઘાયલ થયા હતા.