Rajkot,તા.04
શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી જવા પામ્યો છે. સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ ઝોનના ખુલ્લા પ્લોટમાંથી આજે સવારે એક અજાણ્યા પુરુષનો અર્ધ નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે . હાલ મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી થોરાળા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હત્યાની ઘટનામાં પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે અગિયાર વાગ્યા આસપાસ હુડકો ચોકડી નજીક આવેલ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ ઝોનના ખુલ્લા પ્લોટમાંથી એક અજાણ્યા પુરુષનો અર્ધ નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બનાવની જાણ થતા ડીસીપી સજનસિંહ પરમાર, એસીપી બી વી જાદવ, થોરાળા પોલીસ મથકના પીઆઇ એન જી વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા.
મૃતદેહના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઇજા પહોંચાડ્યાના નિશાન મળી આવ્યા હતા. તેમજ મૃતદેહની બાજુમાંથી જ પથ્થર મળી આવતા અજાણ્યા શખ્સ દ્વારા માથાના ભાગે પથ્થરનો ઘા ઝીંકી હત્યા કરી દેવાયાની પ્રાથમિક આશંકા સેવાઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. દરમિયાન મૃતદેહની ઓળખ મૂળ ઓડિસાના વતની અને હાલ જંગલેશ્વરમાં રહેતા સુધીર તરીકે થઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. મૃતકના શરીરે પેન્ટ કે અન્ય આંતરવસ્ત્ર નહિ હોવાથી અનેક પ્રકારની આશંકા સેવાઈ રહી છે. હાલ હત્યાનું કારણ તેમજ હત્યારાને શોધી કાઢવા ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને થોરાળા પોલીસની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.