Junagadh, તા.27
માણાવદરના યુવાનના ફોન પર એપીકે ફાઇલ મોકલી ફોન હેક કરી તેના નામે રૂા. 1.47 લાખની લોન લઇ કુલ રૂા. 1.67 લાખ અલગ અલગ ચાર ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા જેની યુવાને સાઇબર ફ્રોડ અંગે ઓનલાઇન ફરીયાદ કરી છે. સાઇબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માણાવદર મીતડી રોડ પર રહેતા દિપકભાઇ ગોરધનભાઇ કણસાગરા (ઉ.વ.44)ને ગત તા. 19-6-25ના તેના મોબાઇલમાં આરટીઓ ચલણના નામે એપીકે ફાઇલ આવી હતી. ફોનમાં ઓટો ડાઉનલોડ હોવાથી આ ફાઇલ ડાઉનલોડ થઇ હતી તેની તેને જાણ ન હતી બીજા દિવસે અજાણ્યા શખ્સે તેનો ફોન હેક કરી દીધો હતો. ઓટીપીના મેસેજ આવ્યા હતા. તા. 20ના તેના ખાતામાં 80,202 બેલેન્સ હતું.
અજાણ્યા શખ્સે ફોન હેક કર્યા બાદ દિપકભાઇના નામની રૂા. 1,47,પર1ની લોન મંજુર કરાવી તે રકમ ખાતામાં જમા કરાવી હતી અને પાંચ ટ્રાન્સફર દ્વારા રૂા. 1,67,803 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગેની દિપકભાઇને જાણ થતા તે સમયે તેમણે ઓનલાઇન ફરીયાદ કરી હતી.
આ અરજીના આધારે પોલીસે તપાસ કરતા અજાણ્યા શખ્સે જુદા જુદા ચાર બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી લીધાનું સામે આવ્યું હતું. આમ આ શખ્સે દિપકભાઇના ખાતામાં રહેલા બેલેન્સમાંથી 19,282 તથા લોન મંજુર કરાવી તેના રૂા. 1.47 લાખ મળી કુલ રૂા. 1.67 લા ટ્રાન્સફર કરાવી લીધા હતા. અરજીના આધારે રેન્જ સાઇબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

