Surat,તા.19
સુરતમાં આ વર્ષે આવેલા ખાડી પૂર બાદ પાલિકા તંત્રથી માંડી સરકાર સુધીનું તંત્ર અચાનક જાગી ગયું છે. આગામી દિવસમાં ખાડી પૂર ન આવે તે માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે તેની વચ્ચે ગઈકાલે સુરતના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ખાડી પૂર રોકવા ગઈકાલે વધુ એક અગત્યની બેઠક કરવામાં આવી હતી. જેમાં પ્રભારી મત્રીએ સીધી વાત કરતાં કહ્યું હતું કે, પહેલા તબક્કામાં ખાડી કિનારે ઉભા કરવામાં આવેલા દબાણ અને ગેરકાયદેસર ઝીંગા તળાવ દુર કરવામાં આવશે અને પછી લાંબા ગાળાના આયોજન માટે માસ્ટર પ્લાન બનાવવા માટે આયોજન કરવામાં આવશે.સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે હાઈલેવલ કમિટી બનાવવામાં આવી છે અને કમિટીના અધ્યક્ષ તરીકે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિમણૂક થયા બાદ ખાડીના દબાણ દુર કરવા સાથે ખાડી કિનારા વાઈડીંગ કરવાની કામગીરી પણ ઝડપથી થઈ રહી છે. દરમિયાન ગઈકાલે સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ફરીથી મહત્વની બેઠક મળી હતી. જેમાં મંત્રી કનુ દેસાઈ દ્વારા ખાડી પૂરના કાયમી સમસ્યા સમાધાન માટે બે તબક્કાના રણનીતિ ઘડવા અંગેનો વિચાર રજુ કર્યો હતો. તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં ખાડી કિનારે ઉભા કરવામાં આવેલા દબાણ અને ગેરકાયદેસર ઝીંગા તળાવ દૂર કરવામાં આવશે. આ કામગીરી સાથે બીજા તબક્કામાં સિંચાઈ વિભાગ સહિતના તમામ સરકારી કચેરીઓ સાથે સંકલન કરી ખાડી પૂરના કાયમી સમાધાન અંગેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં વધુ વરસાદ થાય તો પણ ખાડી પૂરના પાણીની સમસ્યા ન ઉભી થાય તે માટે પણ આયોજન કરવામાં આવશે.