Kazakhstan, તા.૭
મધ્ય-પૂર્વમાં ટ્રમ્પના શાંતિ પ્રયાસો વચ્ચે એક મહત્ત્વની અપડેટ આવી છે. વિશ્વમાં અગ્રણી એક મુસ્લિમ દેશ ઈઝરાયલને માન્યતા આપવા જઈ રહ્યું છે. જેને સૌ કોઈ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂની મોટી સફળતાના રૂપમાં જોઈ રહ્યા છે.
ગઈકાલે ગુરૂવારે કઝાકિસ્તાને જાહેરાત કરી હતી કે, અમે અબ્રાહમ સંધિમાં સામેલ થઈશું. આ સંધિની શરૂઆત વર્ષ ૨૦૨૦માં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન થઈ હતી. યુએઈ અને બહેરિન જેવા ટોચના દેશોએ ઈઝરાયલ સાથે સંબંધોને સામાન્ય કર્યા છે.
અબ્રાહમ સંધિમાં કઝાકિસ્તાન સામેલ થયું છે. પ્રમુખ કાસિમ-જોમાર્ટ તોકાયેવે પ્રમુખ ટ્રમ્પ અને મધ્ય એશિયાના અન્ય નેતાઓ સાથે શિખર સંમેલનમાં હિસ્સો લઈ રહ્યા છે. કઝાકિસ્તાનનો આ નિર્ણય મધ્ય-પૂર્વમાં અમેરિકાનું વધી રહેલુ વર્ચસ્વ દર્શાવે છે. જો કે, કઝાકિસ્તાને આ નિર્ણય અંગે સ્પષ્ટતા આપી હતી કે, અબ્રાહમ સંધિમાં સામેલ થવુ સ્વાભાવિક અને તાર્કિક છે. અમારી વિદેશ નીતિ નિરંતરતાનું પ્રતિનિધિત્વ કરે છે. જે સંવાદ, પારસ્પારિક સન્માન અને ક્ષેત્રીય સ્થિરતા પર આધારિત છે.
અગાઉ અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું હતું કે, એક નવો દેશ સંધિમાં સામેલ થશે. જેની અગાઉ અટકળો પણ લગાવવામાં આવી હતી. મિયામીમાં અમેરિકા બિઝનેસ ફોરમમાં વિટકોફે જણાવ્યું હતું કે, હું આજે રાત્રે વોશિંગ્ટન પરત જઈ રહ્યો છું, કારણકે અમે આજે રાત્રે જાહેરાત કરવા જઈ રહ્યા છીએ કે, અમે અબ્રાહમ સંધિમાં સામેલ થવા જઈ રહ્યા છીએ.
અબ્રાહમ સંધિ એ યુએઈ અને ઈઝરાયલ વચ્ચે શાંતિ, રાજદ્વારી સંબંધો અને સંપૂર્ણ સામાન્યીકરણની સંધિ છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેના સહભાગી દેશો ઈઝરાયલ, યુએઈ, બહેરિન, મોરોક્કો અને સુદાન છે. હવે કઝાકિસ્તાનનો પણ તેમાં સમાવેશ થયો છે. આ સંધિનો મુખ્ય હેતુ ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવાનો છે, જેમાં આર્થિક સહયોગ, સુરક્ષા સહયોગ, ટેકનોલોજી અને ઈનોવેશન, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિતના ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે.

