Washington,તા.28
અમેરિકામાં એક સ્કૂલમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં હુમલાખોર પણ હતો, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના મિનેસોટાના મિનિયાપોલિસમાં એક કેથોલિક સ્કૂલમાં બની હતી.
આ કેથોલિક શાળા એક ખાનગી પ્રાથમિક શાળા છે જેમાં લગભગ 395 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાળકો સવારની પ્રાર્થના સભામાં હાજર હતા ત્યારે ગોળીબાર થયો હતો. ઘટના બાદ, માતા-પિતા ચોંકી ગયા હતા અને તેઓ ઘટનાસ્થળે પહોંચીને બાળકોને ઘરે લઈ જતા જોવા મળ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એફબીઆઈના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોઈમે જણાવ્યું હતું કે સુરક્ષા વિભાગ સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
મિનેસોટાના સૌથી મોટા ઇમરજન્સી વિભાગ, હેનેપિન હેલ્થકેરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિનો સક્રિયપણે સામનો કરવામાં આવી રહ્યો છે. કંપનીએ પોસ્ટ કર્યું હતું કે તેઓ ગોળીબારમાં ઘાયલ થયેલા દર્દીઓની સંભાળ રાખી રહ્યા છે.