Australia, તા.2
ઓસ્ટ્રેલિયામાં ભારતીયોની વધી રહેલી સંખ્યાના વિરોધમાં રવિવારે દેશના મોટા શહેરોમાં એન્ટી ઈમિગ્રેશન રેલીઓ નીકળી હતી. જેમાં હજારો લોકો સામેલ થયા હતા. આ રેલીનું આયોજન માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા નામના એક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુ માહિતી મુજબ સિડની, મેલબોર્ન, બ્રિસબેન, કેનબેરા, એડીલેડ, પર્થ અને હોબાર્ટ સહિતના શહેરોમાં આ રેલી નીકળી હતી. આ ગ્રુપનો એવો દાવો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઈમિગ્રન્ટ્સની વસ્તીમાં વિસ્ફોટ થવાથી હાઉસિંગ ક્રાઈસિસ સહિતની અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે.
ખાસ તો છેલ્લા 100 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં જેટલા ગ્રીક અને ઈટાલિયન્સ નથી આવ્યા તેટલા ભારતીયો માત્ર 5 વર્ષમાં આવી ગયા છે જેને લીધે દેશના કલ્ચર, પગારધોરણ, ટ્રાફિક, હાઉસિંગ, વોટર સપ્લાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટલ્સને સીધી અસર પડી છે તેમજ ક્રાઈમ વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની અડધોઅડધ વસ્તી વિદેશમાં જન્મી છે કે પછી તેમના માતા અથવા પિતાનો જન્મ ઓસ્ટ્રેલિયાની બહાર થયો છે.
ઈમિગ્રન્ટ્સની વધતી સંખ્યાને કારણે દેશમાં જમણેરી વિચારધારા ધરાવતા માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા પ્રકારના ગ્રુપ્સનો ઝડપથી ઉદય થઈ રહ્યો છે. જોકે, ઓસ્ટ્રેલિયાની સરકારે આ રેલી અને તેનું આયોજન કરનારા લોકોની વિચારધારાને સખ્ત શબ્દોમાં વખોડી નાખી હતી.
ઓસ્ટ્રેલિયાની લેબર ગવર્મેન્ટના સિનિયર મંત્રી મરે વોટે આ રેલીની ટીકા કરતા જણાવ્યું હતું કે લોકોમાં નફરત ફેલાવવાની સાથે કોમ્યુનિટીમાં ભાગલા પડાવવાને પ્રોત્સાહન આપતી કોઈ પ્રવૃત્તિને સરકાર ટેકો નહીં આપે.
ભારતીયો સામે રેલી ભલે ઓસ્ટ્રેલિયામાં નીકળી હોય પરંતુ કેનેડા અને અમેરિકામાં પણ સ્થિતિ કંઈક આવી જ છે, ફરક બસ એટલો છે કે આ દેશના લોકો ભારતીયો સામે રસ્તા પર નથી ઉતર્યા.ડોનલ્ડ ટ્રમ્પ ખુદ તેનું આડકતરી રીતે સમર્થન કરી રહ્યા છે. ટ્રમ્પે હાલમાં જ ચાઈનામાં ફેક્ટરી બાંધી અને ઈન્ડિયન્સને જોબ આપતી અમેરિકન કંપનીઓને ચેતવી હતી.