ઈજનેર યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ઉદયપુર ગોવા સહિતના સ્થળે લઈ જઈ શારીરિક શોષણ કર્યું
Rajkot,તા.15
શહેરની કોમ્પ્યુટર ઈજનેર યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ઉદયપુર ગોવા સહિતના શહેરોમાં સહેલગાહે લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કરવાની ફરિયાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શખ્સની આગોતરા જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ અંગે ખુદ પીડિતાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન ભુપેન્દ્રભાઇ પીઠડીયા (ઉ.વ.૨૮, રહે. અટીકા ફાટક પાસે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં અર્જુન પાર્ક રાજકોટ)નું નામ આપી ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છે, ઘરે બેઠા ઓનલાઇન ફ્રીલાન્સિંગ કામ કરે છે. માતા વીમા કંપનીમાં નોકરી કરે છે. તે છ-સાતેક મહીના પહેલા તેણી યુનીવર્સિટી રોડ પંચાયત ચોકથી આગળ આવેલ એકેડમી ખાતે આઇલેટ્સના ક્લાસીસમાં લેક્ચરર તરીકે કરતી હતી. દરમિયાન ૨૦૨૪માં મોબાઇલમાં રહેલ બમ્બલ નામની એપ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન પીઠડીયાએ પ્રેમજાળમાં ફસાવીને ગઇ તા.૧૮/ ૧૦/ ૨૦૨૪ના સ્ટાફની બર્થ-ડે પાર્ટીમાં અમરેલીના ધારી (ગીર) ખાતે આવેલ હિલ વ્યુ રિસોર્ટમાં લઇ જઇ લગ્નની લાલચ આપી ફોસલાવી શારીરીક સંબંધ બાંધેલ હતો. ત્યારબાદ જુદા જુદા દિવસોએ ઉજ્જૈન, ઉદયપુર, ગોવા સહિતના સ્થળોએ ફરવા ફરવા માટે લઈ જઈ તેમજ રાજકોટની હોટલમાં શારીરિક શોષણ કરી લગ્ન માટે ફરી ગયો હોવાથી આ ફરિયાદ કરવામાં આવી હતી. ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 મુજબનો શારીરિક શોષણનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરતા આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન પીઠડીયાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી, જેમાં સરકાર વતી હાજર થયેલા એપીપી મુકેશ પીપળીયાએ જામીન અરજી નામંજૂર કરવા રજૂઆતો કરી હતી કે આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય ગુનો છે અને આવા ગંભીર ગુનામાં આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં અને આવા લગ્નના વચનો આપી સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો બાંધવાના અને બાદમાં સ્ત્રી સાથે લગ્ન ન કરી ગુના આચરવાનું દુષણ રોકવા આવા ગુનાના આરોપીને આગોતરા જામીન આપવા જોઇએ નહીં, તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી. જે. તમાકુવાળાએ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.