સરકારી નાણાની ઉચાપત કરી કાયદાનું ઉલ્લંઘન કરી ગેરપ્રવૃતિઓ કરી છે: સરકારી વકીલ
Rajkot,તા.31
વર્ષ-૨૦૦૭ થી ૨૦૧૨ સુધીમાં સવા સાત કરોડની જી.એસ.ટી. ચોરીની સહાયક રાજય વેરા કમિશનરે કરેલ ફરીયાદમાં શિવમ એન્ટરપ્રાઈઝ પ્રા. લી.ના બે સહમાલિકોની આગોતરા જામીન અરજી રાજકોટ અધિક સેશન્સ જજ પી. જે. કાયસ્થે નામંજુર કરી છે.
આ કેસની હકિકત મુજબ, 2005માં સ્થપાયેલી શિવમ એન્ટરપ્રાઈઝ પ્રા. લી. કંપની સને-૨૦૧૨માં બંધ જાહેર કરાઈ હતી, દરમ્યાન શરૂઆતના કંપનીના ડિરેકટર યોગેશ પ્રેમજીભાઈ સુવારિયાએ સ્થાપનાના એક વર્ષમા ડિરેક્ટર પદેથી રાજીનામું આપી પોતાના ભાઈ મધુસુદન પ્રેમજીભાઈ સુવારીયાને ડિરેક્ટર પદે નિમેલ. વર્ષ-૨૦૧૨ સુધી કંપનીના ડિરેકટર તરીકે આ મધુસુદનભાઈએ વેટ (વેલ્યુ એડેડ ટેક્ષ)ની કોઈ રકમ સરકારમાં જમા કરાવેલ નહીં અને તે રીતે રૂા. સવા સાત કરોડની સરકારી રકમની ઉચાપત કર્યા અંગે સવા સહાયક રાજ્ય વેરા કમિશનરની ફરિયાદના આધારેઆ અંગે ગુન્હો નોંધાતા અરજદાર આરોપી મધુસુદન પ્રમજીભાઈ સુવારીયાએ આગોતરા જામીન અરજી રજુ કરી જણાવેલ હતું.
તેમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા જણાવેલ હતું કે, કંપનીની સ્થાપના કરનાર ડિરેકટર યોગેશ સુવારીયાએ વર્ષ-૨૦૦૭મા અનિયમીત રીતે રાજીનામું આપેલ છે. તે રીતે આ કંપનીએ કરચોરી ચાલુ રાખેલ હતી. તેથી યોગેશભાઈ સુવારીયા અને મધુસુદનભાઈ સુવારીયા સરકારી નાણાની ઉચાપત કરવા માટે એકબીજા ઉપર કસુર ઢાળે છે. આ વર્તન ઈરાદાપુર્વકની ચાલ છે. પ્રાઈવેટ લિમિટેડ કંપનીમા ઓછામાં ઓછા ૧૨ ડિરેકટરો હોવા જરૂરી છે. પરતુ હાલના કેસમાં ફકત મધુસુદનભાઈ સુવારીયા જ એકમાત્ર ડિરેકટર હોવાનું જણાવે છે. આ રીતે સરકારી નાણાની ઉચાપત કર્યા ઉપરાંત કાયદાકીય પ્રબંધોનું પણ ઉલ્લંઘન કરે છે. આ પ્રકારની ગેરપ્રવૃતિઓ કરતા ઈસમોને આગોતરા જામીન મળવા જોઈએ નહી. સરકાર તરફેની આ તમામ રજુઆતોને ઘ્યાનમાં લઈ અધિક સેશન્સ જજ પી. જે. કાયસ્થે આરોપી યોગેશ પ્રેમજીભાઈ સુવારીયા અને મધુસુદન પ્રેમજીભાઈ સુવારીયાની આગોતરા જામીન અરજીઓ રદ કરી છે.આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.