Mumbai,તા.17
અભિનેત્રી અને વીડિયો જૉકી અનુષા દાંડેકરને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.આ દરમિયાન તેણે અનેક શો, ફિલ્મો અને રિયાલિટી શોમાં કામ કર્યું છે. હાલ અનુષા પોતાના નવા પોડકાસ્ટને લઈને ચર્ચામાં છે, જેમાં તે પોતાના જીવન વિશે બિન્દાસ વાત કરી રહી છે. તાજેતરમાં અનુષા પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાના પોડકાસ્ટમાં દેખાઈ હતી, જ્યાં તેણે પોતાના બાળપણ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. અનુષાએ જણાવ્યું કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેને એક ભૂલને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
જ્યારે મધુ ચોપરાએ અનુષાને પૂછ્યું કે તેની સૌથી ખરાબ આદત શું છે, ત્યારે તેણે હસતાં મોઢે કહ્યું કે, ‘ડાયટ કોક કદાચ મારી અત્યાર સુધીની સૌથી ખરાબ આદત છે. તેના માતા-પિતાએ આપેલી સ્વતંત્રતા અને વિશ્વાસે જ તેને ખોટા કામોથી દૂર રાખી છે.’ અનુષાએ કહ્યું કે, 14 વર્ષની ઉંમરે તેણે પૂરી દારૂની બોટલ પી લીધી હતી, જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવું પડ્યું હતું.
મધુ ચોપરા સાથેની વાતચીત દરમિયાન અનુષાએ પોતાના બાળપણની એક યાદ શેર કરી. જ્યારે મધુએ પૂછ્યું કે, શું તે ક્યારેય દારૂ ટ્રાય કરી છે? ત્યારે અનુષાએ કહ્યું કે, ‘હા.. અને ત્યારબાદ હું હોસ્પિટલ પહોંચી ગઈ હતી. હું 14 વર્ષની હતી ત્યારે મને દારૂનો સ્વાદ પેશન ફ્રૂટ જેવો લાગ્યો અને મને તે ખૂબ ગમ્યો, તેથી મેં આખી બોટલ પી લીધી હતી. ત્યારબાદ મને હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. નર્સે મારા પપ્પાને ગુસ્સો ન કરવા કહ્યું હતું, નર્સે પપ્પાને કહ્યું કે તે હવે દારૂ નહીં પીવે.’

