New Delhi,તા.16
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને સમન્સ મોકલ્યા છે. 1xBet સંબંધિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસની તપાસના સંદર્ભમાં સોનુ સૂદને ED ઓફિસમાં હાજર રહેવું પડશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં સોનુ સૂદને 24 સપ્ટેમ્બરે દિલ્હી હેડક્વાર્ટરમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં ED આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી રહી છે, સટ્ટાબાજી સંબંધિત મામલો વધુ ઊંડો બની રહ્યો છે.
સોનુ સૂદ ઉપરાંત ઘણા અન્ય ખેલાડીઓ અને કલાકારોના નામ સામે આવ્યા છે. ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તી જેવા નામો પણ તેમાં સામેલ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગેરકાયદેસર ઇન્ટરનેટ સટ્ટાબાજી સાઇટ્સ પર તેની તપાસનો વિસ્તાર કર્યો છે, અને સેલિબ્રિટીઝ અને ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડીઓના સ્પોન્સરશિપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પ્રતિબંધિત સટ્ટાબાજી સાઇટ્સ સાથે પ્રમોશનલ સંબંધો સંબંધિત ચાલુ તપાસના ભાગ રૂપે અભિનેતા સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા, તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈનાની પૂછપરછ કરવામાં આવી છે.
એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, “આ સટ્ટાબાજી પ્લેટફોર્મ જાહેરાત ઝુંબેશમાં 1xbat અને 1xbat સ્પોર્ટિંગ લાઇન્સ જેવા ઉપનામોનો ઉપયોગ કરી રહ્યા છે. જાહેરાતોમાં ઘણીવાર QR કોડ હોય છે જે વપરાશકર્તાઓને સટ્ટાબાજી સાઇટ્સ પર રીડાયરેક્ટ કરે છે, જે ભારતીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.”