Surendranagar,તા.8
સુરેન્દ્રનગર જિલ્લાના નાના મઢાદ અને મોટા મઢાદ ગામના ગ્રામજનોએ એ વિસ્તારમાં ખનીજ માફિયાઓ અને કાયદેસર-ગેરકાયદેસર કાળા પથ્થરની ખાણોમાં થતા બ્લાસ્ટિંગ સામે જિલ્લા કલેક્ટરને આક્રોશભરી રજૂઆત કરી છે. છેલ્લા પાંચ વર્ષથી ગ્રામજનો આ તકલીફો સહન કરી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
ગ્રામજનોની રજૂઆત મુજબ, ભોગાવો નદીના કિનારે અને આસપાસના સીમ વિસ્તારમાં ચાલતી ખાણોમાં રોજના 10 થી 15 જેટલા બ્લાસ્ટ કરવામાં આવે છે. આ બ્લાસ્ટની પ્રચંડ ધુ્રજારીથી ગામના મકાનોમાં તિરાડો પડી ગઈ છે, તેમજ ખેડૂતોની પાઇપલાઇન, કૂવા, અને બોરને પણ વ્યાપક નુકસાન થયું છે.
થોડા સમય પહેલાં જ એક મોટા બ્લાસ્ટને કારણે મકાનની ટેરેસ તૂટી પડવાનો ગંભીર બનાવ બન્યો હતો, જેમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થાનિકોએ જણાવ્યું છે કે બ્લાસ્ટ થવાથી ઝેરી ગેસ અને વાતાવરણમાં ફેલાતી દુર્ગંધને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે, જે ગ્રામજનોના આરોગ્ય માટે જોખમી છે.
આ ઉપરાંત, પથ્થર દળવાના પ્લાન્ટ માંથી નીકળતું ધૂળ-ડસ્ટિંગ આખા ગામમાં ફેલાય છે, જેનાથી ઊભા પાકને મોટું નુકસાન થાય છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવનારા ગ્રામજનોને જાનથી મારી નાખવાની અને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ ભૂમાફિયાઓ દ્વારા આપવામાં આવે છે, જેથી સમગ્ર ગામમાં ભયનો માહોલ છે.
પ્લાન્ટના લાયસન્સ વગરના ડ્રાઇવરો દ્વારા ચલાવવામાં આવતા હેવી વાહનોને કારણે અકસ્માતો પણ સર્જાયા છે, જેમાં જાનમાલનું નુકસાન થયું છે. કલેક્ટર, મામલતદાર અને ગાંધીનગર સુધી અગાઉ રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની અને આગામી ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની ફરજ પડશે.
ઉપરાંત, ન્યાય ન મળે તો સચિવાલય અને ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની પણ તૈયારી દર્શાવી છે. ગ્રામજનોએ વહેલી તકે ખનીજ માફિયાઓ ઉપર યોગ્ય પગલાં લેવા અથવા નીતિ-નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી છે.