રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૧.૪૮ લાખ કરોડના મૂડીરોકાણ સાથે ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જનઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
Gandhinagar,તા.૧૩
ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ રૂ. ૧,૪૭૮.૭૧ કરોડનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જેનાથી રાજ્યમાં અંદાજિત ૪,૧૩૬ જેટલી નવી રોજગારીનું સર્જન થયું છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૧,૪૮,૩૩૬. ૩૫ કરોડનું મૂડીરોકાણ તેમજ ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. જેના પરિણામે સ્જીસ્ઈ સેક્ટરના નાના અને મધ્યમ કક્ષાના આનુષંગિક ઉદ્યોગોને વધુ વેગ મળ્યો છે.
મંત્રી રાજપૂતે કહ્યું કે, આજે મંજૂર કરવામાં આવેલી અરજીઓ પૈકી અમદાવાદ જિલ્લામાં મેટલ, પેપર, ફૂડ-એગ્રો, સિમેન્ટ-કોન્ક્રીટ સેક્ટરમાં રૂ. ૩૮૩.૯૧ કરોડ, કચ્છમાં મેટલ સેક્ટરમાં રૂ. ૨૨૭.૭૭ કરોડ, ભરૂચમાં કેમિકલ તથા સિરામિક સેક્ટરમાં રૂ. ૨૧૮.૮૮ કરોડ, મહેસાણામાં પેપર સેક્ટરમાં રૂ. ૫૫.૨૩ કરોડ, મોરબીમાં સિરામિક, મેટલ, પેપર, ટેક્ષ્ટાઇલ સેક્ટરમાં રૂ. ૧૬૭.૭૦ કરોડ, રાજકોટમાં મેટલ સેક્ટરમાં રૂ. ૩૬.૨૨ કરોડ, વલસાડમાં કેમિકલ, પ્લાસ્ટિક તથા પેપર સેક્ટરમાં રૂ. ૩૫૯.૪૭ કરોડ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર સેક્ટરમાં રૂ. ૨૯.૫૩ કરોડના મૂડીરોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. જે રાજ્યમાં ઉદ્યોગોને વધુને વધુ સક્ષમ બનાવવા તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગુજરાતમાં રોજગારી વધારવામાં મહત્વનો ભાગ ભજવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતને વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસની દીવાદાંડી બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતી-૨૦૧૫ હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. ગુજરાતને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં અદ્યતન ટેક્નોલોજી અને ઈનોવેશનમાં અગ્રેસર કરવા, અત્યાધુનિક ટેક્નોલોજી સાથે મોટા પાયે રોકાણ આકર્ષિત કરવા તેમજ નવીન પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યમાં આવનારા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય આપવા અંગેની આ યોજના થકી ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં રોકાણનું સૌથી આકર્ષક સ્થળ બન્યું છે, જેને મોટા ઉદ્યોગો દ્વારા સારો એવો પ્રતિસાદ મળ્યો છે.
આ મિટિંગમાં ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, વન-પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, શ્રમ-રોજગાર વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવ, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.