Vadodara,તા.08
જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસ ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આજે સાતમા દિવસે વધુ એક ઉમેદવારની ઉપવાસ કરવાને કારણે તબિયત લથડતા દવાખાને દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યભરના જીસેક એપ્રેન્ટીસ અસંખ્ય ઉમેદવારો 2022થી નોકરી અંગે અવારનવાર આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે જાણે કે તેમની ધીરજનો અંત આવ્યો હોય એમ વિદ્યુત ભવન બહાર ધરણા ઉપવાસ અને ભૂખ હડતાલ પર ઉતરતા સાતમા દિવસે વધુ એક એપ્રેન્ટિસની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. છતાં પણ તંત્ર દ્વારા તેમને કોઈ મચક આપવામાં આવતી નથી. જ્યારે બીજી બાજુ એપ્રેન્ટિસ ઉમેદવારો પણ મક્કમતાથી વિદ્યુત ભવન બહાર દીવાલો પર બેનરો બાંધી ધોમધખતા તાપમાં પોતાની માંગણીઓ અંગે ઉપવાસ આંદોલન અને ભૂખ હડતાલ પર યથાવત રહ્યા છે. ગત 2022માં કુલ 800 જગ્યાઓ ભરવાની હતી. પણ હવે છેલ્લા ત્રણ વર્ષમાં આ જગ્યાઓ વધીને 1200 થઈ ગઈ છે.