Gandhinagar,તા.18
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી જિલ્લા અને તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન અને સુવિધાસભર બનાવવાનો અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ નાગરિકોને પૂરતી સગવડ મળી રહે તેવા અદ્યતન અને મોકળાશવાળા તાલુકા પંચાયત ભવનોના નિર્માણ માટે 2025-26ના બજેટમાં કુલ 65 કરોડ રૂપિયાની જોગવાઈ સુનિશ્ચિત કરેલી છે.
તાલુકા પંચાયતોના ભવનોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા સૂર્ય ઊર્જાના ઉપયોગની પ્રેરણા આપી છે. તાલુકા પંચાયતોનું વિજ બિલનું ભારણ ઓછું કરીને આત્મનિર્ભર બનાવવાના આ ઉદાત્ત હેતુસર 104 તાલુકા પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ કાર્યરત છે અને વધુ 27માં આવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કાર્ય પ્રગતિમાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેચ ધ રેઈન વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટે રેઇન વોટર હાર્વેસિ્ંટગ સ્ટ્રકચર પણ સરકારી ભવનોમાં નિર્માણ કરવાનું આહવાન કર્યું છે.જેનેલ ઝીલી લઈને 31 તાલુકા પંચાયત ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાઓ ઊભી કરી લીધી છે. રાજ્યની 211 તાલુકા પંચાયતો પાસે પોતાના ભવન છે તેમાં હવે વધુ 11 તાલુકા પંચાયતોના નવા મકાન બાંધકામ માટે મુખ્યમંત્રીએ વહીવટી મંજૂરી આપી છે.
તદઅનુસાર ડાંગના આહવા, અમદાવાદના દસક્રોઈ તથા દેત્રોજ, ખેડાના માતર, છોટાઉદેપુરના ક્વાંટ, પાટણના સાંતલપુર, બનાસકાંઠાના વાવ, ભાવનગરના પાલીતાણા અને શિહોર તથા મહીસાગરના લુણાવાડા અને રાજકોટના ગોંડલ તાલુકાઓને નવીન મકાનો માટે કુલ રૂ.12.45 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યના અન્ય જે 6 તાલુકાઓ લાઠી, કુંકાવાવ, વેરાવળ, ડીસા, મહુવા અને ગાંધીનગર જ્યાં તાલુકા પંચાયતના મકાનો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે ત્યાં મુખ્યમંત્રીએ કુલ રૂ।0.55 કરોડની ફાળવણી કરી છે.
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવ અને માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, મકાનની ડિઝાઇન અને યોજનાના અમલીકરણમાં સુરક્ષા- સેફ્ટીના ધારાધોરણો તથા ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે તેમજ નવા બનનારા આવા ભવનોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવાની રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને પરિણામે તાલુકાથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થતાં લોકોને પણ સુગમતા થશે અને વધુ સુદ્રઢ સેવા માળખું મળતું થશે.આ નિર્ણયો અંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે વિધિવત ઠરાવો પણ જારી કરી દીધા છે.