Ahmedabad, તા.3
ગુજરાતના દરિયાકાંઠાના નજીક અરજી સમુદ્રમાં એક સાયકલોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. ગઈકાલે રાત્રે આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ છે. આ સિસ્ટમ છેલ્લા 6 કલાકથી આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. સક્રિય થયેલી આ સિસ્ટમના પગલે ગુજરાતના દરિયાકાંઠાની આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસાદે મહાલ જોવા મળી શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા 2 ઓક્ટોબર, 2025 ના રોજ રાત્રે 11ઃ30 વાગ્યે જાહેર કરાયેલ માહિતી અનુસાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સક્રિય રહેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધીને ડીપ ડિપ્રેશન પરિવર્તિત થયું છે.
તે 20.8ઓગ અક્ષાંશ અને 67.7ઓઊ રેખાંશ પર કેન્દ્રિત છે. આ સિસ્ટમ પોરબંદરથી લગભગ 220 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં, દ્વારકાથી 230 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં, નલિયાથી 300 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પાકિસ્તાનના કરાચીથી 460 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આ ડીપ ડિપ્રેશનના પ્રભાવ હેઠળ, 3 ઓક્ટોબર સુધી એટલે કે આજે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર, તેની સાથેના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારો અને ઉત્તરના દરિયાકાંઠે તેમજ તેની આસપાસ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ત્યારબાદ પવનની ગતિ ધીમે ધીમે ઘટશે. મધ્ય અરબી સમુદ્રમાં 3 ઓક્ટોબર સુધી અને 4 થી 5 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.
દરિયાઈ સ્થિતિની વાત કરીએ તો, 3 ઓક્ટોબર સુધી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર, તેની સાથેના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે તેમજ તેની આસપાસ દરિયો તોફાનીથી અત્યંત તોફાની રહેશે, ત્યારબાદ ધીમે ધીમે સુધારો થશે. મધ્ય અરબી સમુદ્રમાં 4 થી 5 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં પણ દરિયો તોફાનીથી અત્યંત તોફાની રહેવાની શક્યતા છે.