Morbi, તા.13
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતી મહિલા સાથે પાડોશમાં રહેતા મહિલાએ ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ તે મહિલાની નણંદને ગાળો આપીને બોલાચાલી કરીને માર મારીને મુંઢ ઇજા કરી હતી તેમજ તે મહિલાના પતિને લોખંડનો પાઈપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને બાદમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિગુરુ પ્લાઝાની બાજુમાં રોયલ પાર્ક શેરી નં-2 માં રહેતા ડેનિશભાઈ વિઠ્ઠલભાઈ ભલાણી (30)એ રસીલાબેન અને તેના પિતાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, તેઓના પત્ની સાથે પાડોશી રસીલાબેને ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો.
અને ત્યારે રસીલાબેને ફરિયાદીની બહેનને ગાળો આપીને બોલાચાલી કરીને માર મારી મુંઢ ઇજા કરી હતી તેમજ રસીલાબેનના પિતાએ લોખંડનો પાઈપ લઈ આવીને ફરિયાદીને મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા મધુબેન લાલજીભાઈ સાણજા (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન નવીનભાઈ પરમાર (40) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલા હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી.

