Rajkot,તા.26
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર સાત આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે સાતેય ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. આગામી 7મી જુલાઈના રોજ કોર્ટ સાતેય ડિસ્ચાર્જ અરજીનો ચુકાદો આપશે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ગત તા.૧૯મી ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી, ચીફ ફાયર ઓફિસર ઠેબા, ધવલ ઠક્કર અને નીતિન લોઢાએ કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી. જે ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. દ્વારા સાતેય આરોપીઓની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતી ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે સાતેય ડિસ્ચાર્જ અરજીની દલીલો પૂર્ણ થઈ છે. જ્યારે હુકમ ઓર્ડર ઉપર મોકૂફ રાખવામાં આવ્યો છે. સાતેય આરોપીની ડિસ્ચાર્જ અરજી પર કોર્ટ આગામી 7 મી જુલાઈએ ચુકાદો સંભળાવશે.આ કેસમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી એડવોકેટ સુરેશ ફળદુ અને એન.આર. જાડેજા રોકાયા છે.