Mumbai,તા.26
ગઈકાલે રાતે 9.30 વાગ્યાથી પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહેલા પ્લેયર્સ માટે ઓકશનનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો.દેવદત્ત પડિકકલને બેન્ગલોરે બે કરોડની બેઝ-પ્રાઈસમાં,ગ્લેન ફિલિપ્સને ગુજરાતે બે કરોડ રૂપિયામાં અજિંકય રહાણેને કલકતાએ 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતાં.
બે રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા બાદ અર્જુન તેન્ડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખની બેઝ-પ્રાઈસમાં ખરીદ્યો છે. ફાસ્ટ બોલિંગ માટે જાણીતો ઉમરાન મલિક બીજા રાઉન્ડમાં 75 લાખની બેઝ-પ્રાઈસમાં કલકતાની ટીમમાં સામેલ થયો હતો. ઈગ્લેન્ડના સ્પિનર મોઈન અલીને કલકતાએ બેઝ-પ્રાઈસ બે કરોડમાં ખરીદ્યો હતો.
ડેવિડ વોર્નર, પીયૂષ ચાવલા, શાર્દૂલ ઠાકુર, મયંક અગરવાલ, સિકંદર રઝા ટોમ લેધમ જેવા સ્ટાર પ્લેયર્સ બીજા રાઉન્ડ બાદ પણ અનસોલ્ડ રહ્યા હતાં. રાઈટ ટુ મેચ (આરટીએમ)કાર્ડ દ્વારા ગઈ કાલે ફાસ્ટ બોલર મુકેશકુમાર (8 કરોડ)ને દિલ્હીએ સ્પિનર સાઈ કિશોર (બે કરોડ)ને ગુજરાતે વેસ્ટ ઈન્ડીઝના ફાસ્ટ બોલર શમર જોસેફ (75 લાખ)ને લખનઉએ, ઓલરાઉન્ડર સ્વખિલસિંહ (50 લાખ)ને બેન્ગલોરે પોતાની ટીમમાં ફરી સામેલ કર્યા છે.
સાઉથ આફ્રિકાના 18 વર્ષના ફાસ્ટ બોલર કવેના મફાકાને રાજસ્થાને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગઈ સીઝનમાં મુંબઈ માટે 50 લાખ રૂપિયામાં રમનાર આ ફાસ્ટ બોલરની બેઝ-પ્રાઈસ આ મેગા ઓકશનમાં 75 લાખ રૂપિયા હતી.
ચેન્નઈએ પોતાના નેટ બોલર ગુર્જપનીત સિંહને 2.2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.30 લાખની બેઝ પ્રાઈસવાળા આ ફાસ્ટ બોલરનો જન્મ લુુધિયાણામાં થયો છે.17 વર્ષની ઉંમરે તે ચેન્નઈ શિફટ થયો હતો. 26 વર્ષના આ પ્લેયરે ઓકટોબર 2024માં તામિલનાડુ માટે રણજી ડેબ્યુ કર્યું હતું.
ઈગ્લેન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન આ ઓકશનમાં 42 વર્ષની ઉંમર સાથે સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર હતો પણ તેને ખરીદવા માટે કોઈ ફેન્ચાઈઝીએ બોલી લગાવી નહોતી.
ગઈકાલે રાતે 10.30 વાગ્યા પહેલાં સૌથી પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની પચીસ સભ્યોની સ્કવોડ સેટ કરી લીધી હતી.તેમની પાસે છેલ્લે પાંચ લાખ રૂપિયાનું બજેટ બાકી રહ્યું હતું.ત્યાર બાદ 35 લાખ બચાવી રાખીને પંજાબ કિંગ્સે પણ પોતાની સ્કવોડ પૂરી કરી હતી.