Surendaranagar, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીની મહત્વની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એક શિક્ષક વિરુદ્ધ થાનગઢ મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતાં સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી છે. થાનગઢના આણંદપર ગામની શાળાના શિક્ષક વિજયકુમાર જુવાનસિંહ બારૈયાની ચૂંટણી પંચ દ્વારા બૂથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જોકે શિક્ષક વિજય બારૈયા દ્વારા આ મહત્વની ચૂંટણી કામગીરીમાં સતત ગેરહાજરી દાખવવામાં આવતી હતી
મામલતદાર કચેરી દ્વારા શિક્ષક વિજય બારૈયાને વારંવાર ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં તેઓ હાજર થયા નહોતા. શિક્ષક તરફથી એવું કારણ રજૂ કરવામાં આવ્યું હતું કે વેકેશન હોવાને કારણે તે પોતાના વતનમાં છે. પરંતુ ચૂંટણીની કામગીરી સમયસર પૂર્ણ કરવી અનિવાર્ય હોવાથી અને શિક્ષકની ગેરહાજરીના કારણે કામગીરી પર ગંભીર અસર પડી શકે તેમ હોવાથી થાનગઢ મામલતદારે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું.
વારંવાર સૂચના છતાં હાજર ન રહેતા
મામલતદાર દ્વારા શિક્ષક વિજયકુમાર બારૈયા વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમમાં પોલીસને તાત્કાલિક શિક્ષકની ધરપકડ કરીને તેમને મામલતદાર સમક્ષ હાજર કરવા આદેશ અપાયો હતો.
ચૂંટણી જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં બેદરકારી દાખવનાર સરકારી કર્મચારીઓ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી હોય તેવો આ બનાવ પ્રથમ નથી. પરંતુ એક ઇકઘ પર સીધું ધરપકડ વોરંટ ઇશ્યૂ થતાં સુરેન્દ્રનગર જિલ્લાના સરકારી વર્તુળોમાં ફફડાટ ફેલાયો છે.

