Junagadh તા.27
દિવાળીના વેકેશનમાં જુનાગઢમાં પ્રવાસીઓની ભીડ ગત વર્ષો કરતા આ વર્ષે સૌથી વધુ જોવા મળી રહી છે. ભવનાથ તળેટી- ગિરનાર પર્વત, ઉપરકોટ કિલ્લો, સકકરબાગ-મ્યુઝીયમ સહિતના વિવિધ સ્થળોએ પર્યટકોથી ઉભરાય જવા પામ્યા છે. ખાસ કરીને ઉડનખટોલા (રોપવે)માં દિવાળીની રજાઓમાં રોજના ત્રણ હજાર સહેલાણીઓએ મજા માણી છેલ્લા પાંચ દિવસમાં 20 હજાર લોકોએ રોપવેની સફર કરી છે.
યુવાન લોકોએ વહેલી સવારથી પગપાળા ગિરનારના પગથીયા ચડીને માં અંબાજીના દર્શનનો લાભ લીધો હતો. પ્રકૃતિના ખોળે ગિરનાર જંગલમાં વહેતા કુદરતી પાણીના ઝરણા લીલીછમ વનરાઈઓ- પક્ષીઓના કિલ્લોલ સવાર સાંજ ગુલાબી ઠંડી ખુશનુમા વાતાવરણની મજા માણી રહ્યા છે. દત્તાત્રેય ટુંક (શીખર)માં હાલમાં થયેલ તોડફોડ, મૂર્તિ ખંડીતના પગલે પ્રવાસીઓએ ખાસ મુલાકાત લીધી હતી. એશીયાનો સૌથી ઉંચો અને લાંબો ગીરનાર રોપવેમાં મોટો ધસારો દિવાળીના આગલા દિવસથી જોવા મળી રહ્યો છે.
ઉપરકોટ ખાતે માનવ કીડીયારૂ ઉભરાઈ રહ્યું છે. રિનોવેશન બાદ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે અડી-કડી વાવ, નવઘણ કુવો, રાણકદેવીનો મહેલ જોવા માટે પ્રાચીન સાંસ્કૃતિકની જાળવણીના કારણે આ વર્ષે સહેલાણીઓમાં મોટો ધસારો રહેવા પામ્યો છે. દરરોજ સવારથી સાંજ સુધીમાં 5 હજાર જેટલા લોકો ઉપરકોટને નિહાળી રહ્યા છે. પાંચ દિવસમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ ઉપરકોટ કિલ્લાની ફર કરી ઈલેકટ્રીક સ્કૂટર ઈલેકટ્રીક ગાડીઓનો લાભ લીધાનું મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું છે.
ઉપરાંત પ્રાણ સંગ્રહાલય, દામોદરજી કુંડ ઉપલા દાતાર, અશોક શીલાલેખ, મ્યુઝીયમ સરદારબાગ, નરસિંહ મહેતાનો ચોરો સહિતના વિવિધ સ્થળોએ ગુજરાત ઉપરાંત અન્ય રાજયોમાંથી દિવાળીની રજાઓમાં જુનાગઢમાં આ વર્ષે પ્રવાસન ક્ષેત્રે જુનાગઢ આવી રહ્યા છે. સાસણગીર જે એશીયાન્ટીક એક મહત્વનું સ્થળ ગણાય છે. જયાં જંગલમાં વિહરતા ડાલા મથ્થા સિહોને જોવા માટે દેશ વિદેશમાંથી સહેલાણીઓ અહીં આવે છે.
હાલ દિવાળીના તહેવારોમાં દેશાવરમાંથી ગીર જંગલમાં ખાસ વધુ ભીડ જોત્તા મળે છે. પ્રાકૃતિક જંગલ-કુદરતી વાતાવરણ- ગુલાબી ઠંડી, ખડ ખડ વહેતા ઝરણાઓ, હરણ, વરૂ, શિયાળ, ખગ્રોસ, દિપડા, લોકડી, મોર સહિતના પશુ પક્ષીઓના વિવિધ અવાજોથી ગુંજતા ગીર જંગલમાં પ્રકૃતિના ખાળે મજા માણવા અહીં હજારોની સંખ્યામાં આવે છે. જુનાગઢ, મેંદરડા, કેશોદ, સાસણ રોડ રાત દિવસ પ્રાઈવેટ કારથી ભરચકક જોવા મણી રહ્યા છે.

