Jamnagar,
જામનગર પંથકનાં સડોદરનાં વતની જોશી પરીવારની આર્શવી જોશી અભિનય સાધના વડે ટેલિવિઝન ક્ષેત્રે ઝળહળી રહી છે. તાજેતરમાં ‘કલર્સ ગુજરાતી’ પર આરંભ થયેલી ખ્યાતનામ સિરીયલ ‘કંકુ રંગ પારકો’ માં ‘કંકુ’ તરીકે મુખ્ય ભૂમિકા નિભાવી આર્શવીએ નગરને કલાક્ષેત્રે ગૌરવ અપાવ્યુ છે.
સડોદરનાં શ્રી રામ મંદિરનાં પૂજારી તથા સંચાલક જનકરાય શાંતિલાલ જોશી – ‘જનક અદા’ ની પૌત્રી તથા નગરનાં જાણીતા જ્યોતિષાચાર્ય નિયતિ જ્યોતિષ કાર્યાલયવાળા હિમાંશુભાઇ જોશીની ભત્રીજી અને દુબઇ સ્થિતિ હિતેશભાઇ જોશી અને મુંબઇ સ્થિત દિપાબેન જોશીની પુત્રી આર્શવીએ છત્તીસગઢનાં રાયગઢ તથા મહારાષ્ટ્રનાં પૂણેમાંથી ઉચ્ચ અભ્યાસ સુધીનું શિક્ષણ મેળવી પૂણેની ખ્યાતનામ નાટ્ય સંસ્થા ‘સ્વતંત્ર થિયેટર્સ’ માં આરંભિક કાળમાં અભિનયનાં પાઠ ભણ્યા છે, તેમજ છત્તીસગઢનાં ખ્યાતનામ કથ્થક ગુરૂ શ્રી શરદ વૈષ્ણવ (રાયગઢ ઘરાના) પાસેથી આઠ વર્ષ કથ્થકની તાલીમ પણ મેળવી છે.
વિવિધ નોંધપાત્ર નાટકમાં ભૂમિકાઓ ભજવ્યા પછી આર્શવી એ સ્ટાર પ્લસ પર આવતી ‘જનક’ સિરિયલમાં ‘સુમી’ નું પાત્ર ભજવી સૌનું ધ્યાન ખેંચ્યું હતુ, જે પછી હવે કલર્સ ગુજરાતીની ‘કંકુ રંગ પારકો’ માં કંકુનું મુખ્ય પાત્ર ભજવી ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી રહી છે. આર્શવી ટેલિવિઝન માં કામ કરવા ઉપરાંત ફિલ્મોમાં પણ આગળ વધવાની મહત્વાકાંક્ષા ધરાવે છે.