Jamnagar તા ૧૦
સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલ સોમવારથી જ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, જેની સાથે સાથે વિદ્યાર્થીઓની પળોજણ પણ શરૂ થઈ છે. પાઠયપુસ્તકો મેળવવા માટે તેમજ સ્કૂલ ડ્રેસ અને અન્ય સ્ટેશનરી ની સામગ્રી ખરીદવા માટે શહેરની અનેક સ્ટેશનરી ની દુકાનો ઉપર ગઈકાલે રાત્રીભર સુધી ભીડ જોવા મળી હતી, અને પાઠ્યપુસ્તકો ન હોવાની પણ બુમરાળ ઉઠી છે.
ગઈકાલે શૈક્ષણિક કાર્ય શરૂ થતા ની સાથે જ સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર માટેના પાઠ્યપુસ્તકો તેમજ અન્ય નોટબુક વગેરે ની યાદી બનાવીને આપવામાં આવી હતી, અને તેની ખરીદી કરવા માટે ગઈકાલે બપોર પછીથી અનેક વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ ચોરફ તરફ નીકળી પડ્યા હતા.
જામનગર શહેરના બેડી ગેઇટ વિસ્તારમાં સુપર માર્કેટ, રણજીત રોડ, રતનભાઇ મસ્જિદ, પોસ્ટ ઓફીસ રોડ ખંભાળિયા ગેઇટ, રણજીત નગર, પટેલકોલોની સહિતના વિસ્તારોમાં આવેલી અનેક સ્ટેશનરી ની દુકાનોમાં રાત્રીભર સુધી વિદ્યાર્થીઓ અને તેના વાલીઓના ધામાં જોવા મળ્યા હતા, અને પાઠ્યપુસ્તકો તેમજ સ્કૂલ ડ્રેસ તથા અન્ય સ્ટેશનરી નો માલ સામાન ખરીદવા માટે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ પડાપડી કરી હતી.
તેમાંય ખાસ કરીને પાઠ્યપુસ્તકોની ભારે પડોજણ જોવા મળી રહી છે. ધોરણ ત્રણ સિવાયના તમામ પાઠ્યપુસ્તકો પૂરતા પ્રમાણમાં ન હોવાનું જાણવા મળ્યું હોવાથી અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, અને વિદ્યાર્થીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. જામનગર જિલ્લાના શિક્ષણ વિભાગે વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ,તેવી વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં માંગ ઉઠી રહી છે.