New Delhi,તા.૧૦
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન એઆઇએમઆઇએમએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તાહિર હુસૈનને ટિકિટ આપી છે. દિલ્હી રમખાણોના આરોપી હુસૈનને મુસ્તફાબાદથી ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ ભાજપે હુસૈનને ટિકિટ આપવા પર ઓવૈસી પર નિશાન સાધ્યું છે. ઓવૈસી પર કટાક્ષ કરતા ભાજપે કહ્યું, ’હુલ્લડના આરોપીઓ સાથે, ઓવૈસી સાથે.’ દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ૩૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
તાહિર હુસૈન આમ આદમી પાર્ટીનો ભાગ રહી ચૂક્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીમાં થયેલા રમખાણોમાં તેનું નામ સામે આવ્યા બાદ તેને આરોપી બનાવવામાં આવ્યો હતો. તેઓ આમ આદમી પાર્ટી તરફથી કોર્પોરેશન કાઉન્સિલર રહી ચૂક્યા છે. પરંતુ રમખાણોમાં તેમનું નામ સામે આવતાં પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા હતા. થોડા દિવસ પહેલા જ તાહિર હુસૈનને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી હતી, ત્યારપછી તેઓ ફરી રાજકારણમાં સક્રિય થવાની ચર્ચા ચાલી રહી હતી. હવે ઓવૈસીની પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી મેદાનમાં તાહિર હુસૈનની એન્ટ્રીથી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે.
ચૂંટણી પંચે હજુ સુધી દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી નથી. પરંતુ આમ આદમી પાર્ટીથી લઈને એઆઇએમઆઇએમ સુધીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ ૩૧ સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી ૨૦૨૫માં યોજાવાની છે.આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીમાં સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૦માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આપએ ૭૦માંથી ૬૨ બેઠકો જીતી હતી.